(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ સંતાન ન થતા હોવાથી ભૂવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ પતિ આપતો હોવાનું ધ્યાનમાં રાખી પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદના આધારે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના રૂંઢ ગામના વતની અને હાલ જહાંગીરપુરા ઇસ્કોન મંદીરની બાજુમાં આવેલા હળપતિ વાસમાં દિપક ઉર્ફે દિપલો ગુણવંત રાઠોડ નામનો યુવક રહે છે. દોઢ વર્ષ પહેલાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી કોમલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ કોમલ દિપક અને તેના પરિવાર સાથે હસી ખુશીથી રહેતી હતી. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા ડામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોમલના તેના બનેવી અને અન્ય લોકો સાથે આડા-સંબંધ હોવાનો વહેમ રાખી દિપક અવાર-નવાર શારિરીક માનસિક ત્રાસ આપી મારઝુડ કર્યા કરતો હતો. પરિણામે કોમલ પતિના ત્રાસ અને શરીર પર દામ આપવાને કારણે આઘાતમાં સરી પડી હતી. ગત પાંચ જુલાઈના રોજ કોમલે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે કોમલના માતા-પિતા અને પરિવારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને કોમલની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તેની માતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં દિપક વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી દિપકની ધરપકડ કરી છે. આ અંગે કોમલની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપક આડા-સંબંધનો વહેમ કરતો હતો. જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરિયાની બીમારી હતી. જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભૂવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આકરૂં પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળે છે.