(એજન્સી) ચંદીગઢ, નવી દિલ્હી, તા.૨૫
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્રિશંકુની સ્થિતિ સર્જાયા બાદ રાજ્યમાં કિંગમેકર તરીકે ઉદ્‌ભવેલા જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલાએ આગામી સરકાર બનાવવા માટે ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપવા અંગે જણાવ્યું કે અમારી પાસે બંને માર્ગો (ભાજપ-કોંગ્રેસ) ખુલ્લા છે. તેમણે કહ્યું કે તેમના માટે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઇ પણ અસ્પૃશ્ય નથી. અમે અમારી પાર્ટીના એજન્ડાને આગળ વધારનારને ટેકો આપીશું. અમે હરિયાણાને આગળ લઇ જવાનું કામ કરીશું. હાલમાં અમે સ્પષ્ટ વાત કરી નથી. જેજેપીના ધારાસભ્યોએ તેમના પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. દરમિયાન, નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ચૌટાલાએ જણાવ્યું કે રાષ્ટ્રીય કારોબારીમાં એજન્ડા સ્પષ્ટ નહીં હોવાથી અમે અત્યાર સુધી કોઇની સાથે ટેકો આપવા અને સરકાર બનાવવાના મુદ્દા અંગે વાત કરી નથી. હવે અમને સત્તા આપવામાં આવી છે અને હવે અમે સંબંધિત લોકો સાથે વાત કરી રહ્યા છીએ. થોડાક કલાકો કે થોડાક દિવસોમાં સકારાત્મક પરિણામ આવવાની આશા છે. આ સ્થિતી જોતા હરિયાણામાં ખટ્ટર દિવાળી પછી શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમણે એવું પણ કહ્યું કે સ્થિર સરકાર જોઇએ તો આજે પણ ચાવી અમારા હાથમાં છે. હરિયાણામાં સરકારની રચના કરવા માટે ભાજપને છ સીટની જરૂર છે. ભાજપ પાસે ૪૦ સીટ છે અને બહુમતી માટે ૪૬ સીટ જરૂરી છે. જેજેપી પાસે ૧૦ બેઠકો છે.જ્યારે બીજીબાજુ કોંગ્રેસ પાસે ૩૧ સીટ છે અને રાજ્યમાં કોંગ્રેસ પણ સરકારની રચના કરવા માગે છે. જોકે, સિરસા સીટ પર ચૂંટાઇ આવેલા હરિયાણા લોકહિત પાર્ટીના નેતા ગોપાલ કાંડાએ જણાવ્યું છે કે તેમણે અને અપક્ષ ધારાસભ્યોએ ભાજપને બિનશરતી ટેકો આપવાનું નક્કી કર્યું છે.