ખંભાળિયા, તા.૧૮
ગુજરાત સરકાર ગુડ ગવર્નન્સના દાવાઓ કરે છે ત્યારે દ્વારકા જિલ્લામાં ચાર વર્ષમાં પાંચ કલેક્ટરો બદલાઈ ગયા હોવાથી સરકારના દાવાઓ અંગે કટાક્ષો થઈ રહ્યા છે. દ્વારકાના કલેક્ટરને મહેસાણામાં મૂકવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલની બદલી મહેસાણા જિલ્લા કલેક્ટર તરીકે ૧૬/૮/ર૦૧૭ના રોજ થઈ છે. જૂન-૧પના સમયમાં જિલ્લા કલેક્ટર તરીકે આવેલા એમ.કે. પટેલ અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરોમાં સૌથી વધુ સમય રહ્યા છે. સામાન્ય રીતે સારી રીતે કામ કરવા માટે જિલ્લા કલેક્ટરોની બદલી ત્રણ વર્ષે થતી હોય, તેના બદલે દ્વારકા જેવા નવા જિલ્લામાં ચાર વર્ષમાં પાંચ કલેક્ટર આવી ગયા. દ્વારકા જિલ્લામાં જે.આર. ડોડિયા મુકાયા છે. દ્વારકા જિલ્લો નવો બન્યો હોવાથી ત્યાં કલેક્ટરની સ્થાયી નિમણૂંક કરીને સળંગ ત્રણેક વર્ષ સુધી રાખવા જોઈએ, તેના બદલે ચાર વર્ષમાં જ પાંચ-પાંચ કલેક્ટરો બદલાઈ જતા લોકો સરકારના ગુડ ગવર્નન્સના દાવાઓ અંગે કટાક્ષો સાથે ટીખળ પણ કરી રહેલા સાંભળવા મળે છે.