અમદાવાદ, તા.૩૦
અપર એર સાયકલોનિક સરકયુલેશનને પગલે સમગ્ર રાજ્યમાં ભાદરવો ભરપૂર બનતાં યંત્ર-તંત્ર સર્વત્ર વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલથી શરૂ થયેલા વરસાદે વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં આજે સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ અનરાધાર વરસી પડ્યો હતો. જેમાં ખંભાળિયાના કલ્યાણપુરના ટંકારિયા ગામે આભ ફાટ્યાં જેવી સ્થિતિ થતાં ત્રણ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ખાબકતાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે સમગ્ર હાલાર પંથકમાં ૬થી ૧પ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ બીજા દિવસે મેઘાનું રોદ્ર સ્વરૂપ યથાવત્‌ રહ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રથી ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ આગામી બે દિવસ પણ અમુક સ્થળોએ અતિભારે જ્યારે અન્ય સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ કરાયું છે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે તો રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. રાજ્યમાં ભાદરવો ભરપૂર બનતાં સર્વત્ર મેઘ-મહેર થઈ છે જો કે અનેક સ્થળોએ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં જળ-બંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાટોપ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તેમાં ખંભાળિયા કલ્યાણપુર પટ્ટીના મોવાણ, ભારથર, રાજપરા, લાંબા, ભોગાત, દેવળીયા, ગઢકા સહિત ગામોમાં ૮થી ૧૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. જામજોધપુર, જામનગર, દ્વારકા, ભાણવડ, લાલપુર, જોડીયામાં રથી ૪ ઈંચ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને માંગરોળમાં ધોધમાર ૮ ઈંચ માળિયા-માણાવદરમાં પથી ૬ વંથલી જૂનાગઢ મેંદરડામાં ૩થી ૪ ઈંચ વરસાદ રાજકોટ, ઉપલેટા, ભાયાવદર, કલાણા પંથકમાં પથી ૬ ઈંચ, કંડોરણા જસદણમાં દોઢ ઈંચ સહિત જિલ્લાભરમાં અડધાથી પોણો ઈંચ વરસાદ ખાબકીયો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા અને કોડિનારમાં ૪ ઈંચ, તલાળા, ઉનામાં ૧થી ર ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં રાજુલા લીલીયા, ખાંભામાં ર ઈંચ બાકી સમગ્ર જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ પ્રવર્તે છે. પોરબંદરના રાણાવાવમાં પ ઈંચ સાથે કુતિયાણા અને પોરબંદરમાં ૩થી ૪ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં સવા ઈંચ ઉપરાંત મહવા-જેસર પંથકમાં ૩ ઈંચ, વલ્લભીપુર, તળાજા, ઉમરાળામાં ર ઈંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, ચોટીલા ચુડા, લીંમડી પંથકમાં દોઢથી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે બોટાદમાં ૪, રાણપુર ૩ અને બરવાળા ગઢડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા દ.ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૩ મી.મી.ભરૂચ રર, હાંસોટ ૧૮ મી.મી., નેત્રંગ ૧૬ મી.મી., અને વાલિયા ર૪ મી.મી. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ડેડિયાપાડા ર૩, નાંદોહ ૧૭, સાગબારા ૩૪ અને લિલકવાડા ૪૯ તો તાપી જિલ્લાના તાલુકાઓમાં નીઝર ૩૪ અને ડોલવણ ૬૦ જ્યારે જિલ્લાના તાલુકાઓમાં કામરેજ ૪૮ ઓલપાડ ૪૪ અને સુરત સિટી ૯ર વરસાદ નોંધાયેલ છે. નવસારી જિલ્લાના તાલુકાઓમાં ગણદેવી પ૭, ખરેગામ ૧૯, નવસારી ર૪ અને વાંસદા તો ડાંગ આહવા પ૦ છે. વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૦ર કપરાડા ૭૬, પારડી ૧૬, ઉમરગામ ૧૧૬, વલસાડ ૧૪ અને વાપી ૧૧૬ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે. પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહીં અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સિટી ૩૪, ધંધુકા ૪૧, ધોલેરા ૪૬ અને આણંદ ૬૬ મીમી, વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં ૪૦ મી.મી, સાબરકાંઠામાં હિંમતનગરમાં ૪૯ મી.મી. અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૪ર મી.મી, તેમજ આ જિલ્લાઓની સાથે પંચમહાલ, દાહોદ, પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
૧ર જિલ્લામાં મોસમના સરેરાશ કરતાં સો
ટકાથી વધુ વરસાદ, મોરબીમાં ૧૮૬ ટકા
રાજ્યના ૧ર જિલ્લાઓ એવા છે જ્યાં મોસમના સરેરાશ વરસાદ કરતાં ૧૦૦ ટકાથી પણ ઘણો વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લામાં ૧૮૬ ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૧૮૪ ટકા અને પાટણ જિલ્લામાં ૧પ૯ ટકા જેટલો વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૮ ટકા, ગાંધીનગર જિલ્લામાં ૧૪૭ ટકા, સાબરકાંઠા જિલ્લામાં ૧ર૩ ટકા, બોટાદ જિલ્લામાં ૧ર૦ ટકા, મહેસાણા જિલ્લામાં ૧૧૦ ટકા, રાજકોટ જિલ્લામાં ૧૧૦ ટકા, વલસાડ જિલ્લામાં ૧૦૪ ટકા, ગીર-સોમનાથ જિલ્લામાં ૧૦૩ ટકા અને જામનગર જિલ્લામાં મોસમના સરેરાશ વરસાદની સામે ૧૦૦ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. કુલ ૧૦પ તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યનાં જળાશયોમાં ૬૩ ટકા પાણીનો
સંગ્રહ : ૪૩ જળાશયો ૧૦૦ ટકા ભરાયાં

રાજ્યમાં જુલાઈ તથા ઓગસ્ટમાં બે ભાગમાં સપ્રમાણ વહેંચણી સાથે યોગ્ય સમયગાળે પૂરતા પ્રમાણમાં વરસાદ થતા જળાશયો પણ સમૃદ્ધ થયા છે. રાજ્યના ર૦૩ જળાશયોમાં અત્યારે ૩,પ૦,૬ર૬ એમસીએફટી પાણીનો સંગ્રહ થયેલો છે. જે રાજ્યના જળાશયોની કુલ સંગ્રહ શક્તિના ૬૩ ટકા છે. રાજ્યમાં ૪૩ જળાશયો અત્યારે પૂર્ણ ક્ષમતાએ, એટલે કે સોએ સો ટકા ભરાયેલા છે. જ્યારે ૬૧ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા જેટલું પાણી ભરાયેલું છે. રપ જળાશયો એવા છે કે જેમાં પ૦ ટકાથી ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલો છે જ્યારે ગુજરાતની જીવાદોરી-સરદાર સરોવર નર્મદા યોજનાના સરદાર સરોવરમાં ૬૦ ટકા પાણી ભરાયેલું છે. ઉકાઈ જળાશયમાં પણ પાણીનો આવરો વધ્યો છે. ગઈકાલ સાંજથી ૪૪,૦૦૦ ક્યુસેક પાણી આવી રહ્યું છે.
દ્વારકામાં દરિયો તોફાની બનતાં ૧૭૪૮ બોટોને પરત બોલાવાઈ
જામનગર-દ્વારકા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ અને ફૂંકાતા ભારે પવનના કારણે દ્વારકાના દરિયામાં માછીમારી માટે રવાના થયેલી ૧૭૪૮ બોટોને પરત બોલાવવાનો આદેશ અપાયો છે. દરિયામાં વરસાદ સામે ભારે કરન્ટ હોવાથી બેથી ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે છે. અરબી સમુદ્રમાં આકાર પામી રહેલા ડિપ્રેશનના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. હાલ દરિયામાં માછીમારી માટે ગયેલી ૧૭૪૮ બોટોને પરત બોલાવવામાં આવી રહી છે. નેવી, પોલીસ અને કોસ્ટગાર્ડની બોટો દરિયામાં રવાના થઈ છે અને માછીમારોને પરત બોલાવવાની કામગીરીમાં જોતરાઈ છે. દ્વારકાના હર્ષદ ગામ નજીક દરિયામાં બોટ ડૂબતા છ માછીમારો લાપતા બન્યા છે.