અમદાવાદ,તા.૯
અમદાવાદ શહેરમાં રહેતા એક મહિલા ડીવાયએસપીના ઘરમાંથી લાખોની મત્તાની ચોરી થઈ છે. ચોર,લૂંટારૂઓને પકડીને જેલમાં ધકેલનારા પોલીસના ઘરમાં જ જો ચોરી થતી હોય તો સામાન્ય માનવીના ઘરે ચોરી થાય તેમાં કોઈ નવાઈ નથી. ત્યારે મેગાસિટી બનવા જઈ રહેલા અમદાવાદમાં જાણે ચોર-લૂંટારૂ બેફામ બન્યા છે. તેનું તાજુ ઉદાહરણ બરાબર મહિલા ડીવાયએસપીના ઘરમાં થયેલી ચોરી ઘણુ વધુ કહી જાય છે. ત્યારે નિદ્રાધીન પોલીસ તંત્ર આવાસ ખંખેરીને ચોર, લૂટારૂઓને પકડી પ્રજાને સલામતી અને સુરક્ષા પૂરી પાડે તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ ભગીરથ હોમમાં ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ચેતના ચૌધરી રહે છે. તેઓ હાલ જુનાગઠમાં આવેલી પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવે છે. પોલીસ અધિકારી ચેનતા ચૌધરીના ઘરમાંથી ચોરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧૫ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી પોલીસના ઘરમાં ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં મહિલા DYSP ચેતનાબેને જણાવ્યું છે કે, અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રીજી બંગ્લોઝની ગલીમાં આવેલ ભગીરથ હોમ મકાન નં. ૬માં મારૂ મકાન છે. હું જુનાગઢ નોકરી કરૂ છું. મારા આ ઘરમાં મારા માતા-પિતા રહે છે. જેમને હું તા. ૨૭ જૂને સુરત મુકવા આવેલ. ત્યારબાદ હું ઘરને લોક મારી જૂનાગઢ ગઈ હતી, ત્યારથી મારૂ મકાન બંધ હતું. પરંતુ ૮ જુલાઈએ પાડોશીનો ફોન આવ્યો કે, તમારા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલુ છે. મેં અમદાવાદ આવી ઘરમાં જોયું તો, મારા બેડરૂમનું સોકેસ અને મારી માતાના રૂમનો દરવાજો તુટેલો હતો. તેમાંથી દાગીના અને રોકડ સહિત લગભગ કુલ ૧૫ લાખની ચોરી થઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ૪ તોલાની સોનાની ચેઈન, ૪ સોનાની વીંટી, એક સોનાની પુરૂષ વીંટી, બે સોનાના સેટ, ચાર સોનાની બંગડી, સોનાની લગડી, બે સોનાના બ્રેસલેટ, બે સોનાની નોઝપીન, કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, એક ડાયમંડ બુટ્ટી, બે સોનાના હોમ લખેલા પેન્ડલ, બે જોડી ચાંદીના સાંકળા, ત્રણ ચાંદીના ગ્લાસ, ચાંદીની મૂર્તી તથા થોડી રોકડ રહિત ૧૫ લાખ ૧૭ હજારની માલમતાની ચોરી થઈ છે. પોલીસ તપાસમાં ચોરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળે છે. ચોરોએ પોલીસ અધિકારીના બંધ મકાનના ઉપરના માળે રહેલી તિજોરીમાંથી પણ હાથ સફાઈ કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે સમગ્ર મામલે ફરિયાદના આધારે નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ચોરો પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.