(એજન્સી) ચંદીગઢ, તા.૧૦
ભારતીય ટી-ર૦ મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને નકલી ડિગ્રીના કારણે ડીવાયએસપી પદેથી હટાવી દઈ પુનઃ પોલીસ કોન્સ્ટેબલ બનાવી દેવાયા છે. હરમનપ્રીતની ડિગ્રી ફર્જી હતી. રાજ્ય સરકારે હરમનપ્રીતની સ્નાતકની ડિગ્રીની ખરાઈ કર્યા બાદ તે નકલી નીકળતાં તેમને ડીવાયએસપી પદે અપાયેલ બઢતી પરત ખેંચી લઈ કોન્સ્ટેબલ બનાવી નીચલી પાયરી પર ઉતારી દેવાયા હતા. પંજાબના ગૃહવિભાગના સૂત્રોએ કહ્યું કે, હરમનપ્રીત ધો.૧ર નાપાસ હતા. સ્નાતકની બનાવટી ડિગ્રી રજૂ કરી ડીવાયએસપી થયા હતા. પાછળથી યુનિવર્સિટીમાં ડિગ્રીની ખરાઈ કરતાં તેમની ડિગ્રી નકલી નીકળી હતી. જેથી સરકારે તેમને ડીવાયએસપીના પદ પરથી નીચલી પાયરી પર ઉતારી દીધા હતા. જો કે પંજાબ પોલીસે હરમનપ્રીત સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમને મળેલ અર્જુન એવોર્ડ પણ પરત ખેંચાઈ શકે છે. જો પંજાબ પોલીસ કેસ દાખલ કરે. આ અંગે હરમનપ્રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. રેલવેમાં પણ આ જ ડિગ્રી આપી છે. તેમના મેનેજરે કહ્યું કે, હજુ સુધી કૌરને ટર્મિનેટનો હુકમ મળ્યો નથી.