(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
આરોગ્ય માટે જોખમી એવી ઈ-સિગારેટ ‘(ઈલેકટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ-ENDS)’ના ઉત્પાદન, આયાત, જાહેરાત, વ્યાપાર, અને ઓનલાઈન સહિતના વેચાણ ઉપર ગુજરાતના પ્રતિબંધ લાદવા ગુજરાત સરકારે COTPA- (કોટપા) ગુજરાત સુધારા વિધેયક આજે ગૃહમાં રજૂ કરી વિના વિરોધે સર્વાનુમતે પસાર કર્યો હતો. રાજ્યમાં નશાના દૂષણને નાથવા કડક કાયદો ઘડવામાં ગુજરાતે પહેલ કરી હોવાનો દાવો સરકારના મંત્રીએ આજે ગૃહમાં કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોટપા-વિધેયક રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યમાં યુવાનોમાં ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકસાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.
રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ કોટપા-૨૦૦૩ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો છે. સૂચિત જોગવાઇ દાખલ થવાથી આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહીં અને રૂપિયા ૫૦ હજાર સુધી પરંતુ રૂપિયા ૨૦ હજારથી ઓછો નહીં તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુનો ગણાશે અને તેની સાધન સામગ્રી કબજે લેવાની સત્તા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ૧૨ રાજ્યો તથા વિશ્વના ૩૦ થી વધુ દેશોમાં ઇ-સિગારેટ ઉપર ઠરાવ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઇ-સિગારેટ ઉપર કોપ્ટા – ૨૦૦૩ કાયદામાં સુધારો કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.