(એજન્સી) કોચી, તા.ર૬
૧૩ વર્ષના લાંબા સમયગાળા બાદ ર૭ વર્ષીય ઉદયકુમારની વૃદ્ધ માતા પ્રભાવતીને આ સપ્તાહે ન્યાય મળ્યો. જ્યારે તિરૂવનંતપુરમમાં સીબીઆઈની વિશેષ અદાલતે તેમના પુત્રને હિરાસતમાં રાખી ત્રાસ આપવા બદલ તથા તેના મૃત્યુમાં સામેલ હોવા બદલ પાંચ પોલીસ અધિકારીઓને દોષી ઠેરવ્યા છે. જેમાં બે અધિકારીઓને મોતની સજા ફટકારવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગુના અને ત્રાસ ગુજારવા બદલ કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે છઠ્ઠા અધિકારીનું ટ્રાયલ દરમિયાન જ મોત નિપજ્યું હતું.
સપ્ટેમ્બર ર૦૦પમાં હિરાસતમાં ઉદયકુમાર પર અત્યાચાર ગુજારાયા બાદ તેની ઠંડે કલેજે હત્યા કરી નાખવામાં આવી છે. હિરાસત દરમિયાન પોલીસકર્મીઓએ ઉદયકુમારને લોખંડની ભારે પાઈપો વડે જાંઘો પર માર માર્યો હતો. ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. ઉદયકુમારને ન્યાય મળે તે માટે હજારો લોકો ન્યાય માંગવા કેરળના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઉદયકુમારની હત્યાને તે સમયની ઓમેન ચાંડીના નેતૃત્વ હેઠળ ચાલતી યુડીએફ સરકારને ખૂબ જ શરમ અનુભવવી પડી.
ઉદયકુમારને એક જાહેર પાર્કમાંથી ચોરી કરવાના ખોટા આરોપસર હિરાસતમાં લેવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓ દ્વારા તેની પાસે ગુનો કબૂલાવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે, આવું પહેલી વખત નહોતું બન્યું કે જેમાં પોલીસે હિરાસત દરમિયાન થર્ડ ડિગ્રી ટોર્ચરનો ઉપયોગ કર્યો હોય અને આજે પણ આવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તે વાતના પુરાવાઓ છે.
અહીં કેરળના એવા કેટલાક શંકાસ્પદ કસ્ટોડિયલ મોતોના કેસોને ટાંકવામાં આવ્યા છે કે, જેણે ન્યાય માંગવા માટે કેરળના લોકોને રસ્તા પર ઉતરી આવવા મજબૂર કરી દીધા.
કટોકટી દરમિયાન રાજનનો કેસ :
માર્ચ ૧૯૭૬માં પી.રાજન કોઝિકોડમાં એન્જિનિયરીંગના અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો. આ સમયે દેશમાં કટોકટી લાદવામાં આવેલી હતી, અને પોલીસ કથિતરૂપે પી.રાજનને નકસલી હોવાના આરોપમાં હિરાસતમાં લીધો હતો. તેના પિતા પ્રો.ટી.વી. ઈચારા વેરિયારે પોતાનો પુત્ર ગુમ થયા બાદ એક લાંબી લડત લડી. કટોકટી નાબૂદ કરાયા બાદ, વોરિયરે એક હેબિયસ કોપર્સ અરજી દાખલ કરી, જેને પગલે અદાલતે તે સમયની કે.કરૂણાકરણની સરકાર પાસે પ્રતિક્રિયા માંગી. ત્યારબાદ સરકાર અને પોલીસ અધિકારીઓએ અદાલતને કહ્યું કે, રાજનને સત્તાવાર રીતે ક્યારેય હિરાસતમાં લેવામાં આવ્યો નથી કે ના તો તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયો છે. પરંતુ હકીકતમાં તેનું મોત ગેરકાયદેસર પોલીસ હિરાસતમાં નિપજ્યું છે. ભારે જનઆક્રોશને પગલે તે સમયના સીએમને રાજીનામું આપવું પડ્યું. આજદિન સુધી રાજનના અવશેષો પણ મળી શક્યા નથી.
૧૯૮૮માં ગોપીની હિરાસત :
ર૪ વર્ષીય ગોપીએ અલપ્યુઝા જિલ્લાના ચેરથાલાનો રહેવાસી હતો, ઓક્ટોબર ૧૯૮૮માં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેને એક લૂંટ વિશે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે એવી દલીલ કરી કે, તેણે આત્મહત્યા કરી છે, પરંતુ ગોપીના પેટના ભાગે જોવા મળી રહેલા ટ્યુબલાઈટના ઘાથી તેના પિતા થાનકપ્પનને એ વાતનો ખ્યાલ આવી ગયો કે, તેમના પુત્રએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેના પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારીને તેની આત્મહત્યા કરવામાં આવી છે. એક દાયકા સુધી થાનકપ્પને ઔપચારિક રીતે પોતાના પુત્રના મૃતદેહને ફોર્માલિન નામના કેમિકલ દ્વારા પોતાના આંગણામાં રાખ્યો અને તેનો અંતિમ સંસ્કાર કરવાની ના પાડી. આખરે ૧૯૯૯માં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. થાનકપ્પનના મૃત્યુને ત્રણ વર્ષ વીતી ગયા બાદ, વર્ષ ર૦૦૮માં ચેરથાલાની પ્રથમ શ્રેણીની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે ગોપીને ‘ગેરકાયદેસર હિરાસતમાં’ રાખવા બદલ બે અધિકારીઓને એક વર્ષ સુધી સખત કેદની સજા ફટકારી.
સંપથ હત્યા કેસ :
ર૩ માર્ચ ર૦૧૦ના રોજ, પાલક્કડ જિલ્લાના પુથુરમાં એક પ્રખ્યાત વેપારીની પત્ની શીલાની તેના જ ઘરમાં ૩ શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી. હત્યાના એક અઠવાડિયાની અંદર સંપથની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેના પર શીલાની હત્યાના આરોપો મૂકવામાં આવ્યા. પરંતુ તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે તે પહેલાં જ તેનો મૃતદેહ મળી આવ્યો. સંપથના પરિજનોએ આરોપ મૂક્યો કે, શીલાના સંબંધીઓના દબાળ હેઠળ પોલીસ દ્વારા તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેની હત્યા કરી નાખવામા આવી. ત્યારબાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. વર્ષ ર૦૧૧માં સીબીઆઈ દ્વારા આ કેસ સાથે સંડોવાયેલા ૪ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને સંપથના મૃત્યુ બાદ ઘણાં બધાં અધિકારીઓને બરતરફ કરી દેવામાં આવ્યા હતા.
ર૦૧૪માં શ્રીજીથની હત્યા :
શ્રીજીથ તિરૂવનંતપુરમની નજીક આવેલા કુલાથૂરનો રહેવાસી હતો. શ્રીજીથને મોબાઈલ ફોન ચોરી કરવાના આરોપસર પરાસલા પોલીસ દ્વારા ૧૯ મે ર૦૧૪ના રોજ હિરાસતમાં લેવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસ બાદ, તેણે જંતુનાશક દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસની વાર્તા એ જ હતી કે, તેણે આત્મહત્યા કરી છે પરંતુ કે. નારાયણ કુરૂપ, હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી (એસપીસીએ)ના તે સમયના ચેરમેને તપાસનો અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આ કેસ કસ્ટોડિયલ મોતનો છે. શ્રીજીથના કેસને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવ્યો, ત્યારબાદ તેના નાનાભાઈ શ્રીજીથે ૭૭પ દિવસ સુધી ધરણા કરીને રાજ્ય સમક્ષ તેના ભાઈના મૃત્યુ કેસ અંગે ન્યાયની માગણી કરી. ત્યારબાદ સીબીઆઈ દ્વારા આ કેસમાં એફઆઈઆર દાખલ કરીને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી. શ્રીજીથના આ લાંબા આંદોલનને સોશિયલ મીડિયા અને કેરળના રસ્તાઓ પર ઉતરી આવેલા લોકોનું ભારે સમર્થન મળ્યું.
વારાપુઝામાં શ્રીજીથનું મોત :
ર૮ વર્ષીય ટાઈલ્સ વર્કર શ્રીજીથને આ વર્ષે ૬ એપ્રિલના રોજ તેના પાડોશમાં આવેલા ઘરમાં ટોળા દ્વારા કરાયેલા હુમલાના કેસમાં એનાર્કુલમ જિલ્લાના વારાપુઝામાં આવેલા તેના ઘરમાંથી પોલીસ પકડીને લઈ ગઈ હતી. જો કે ત્રણ દિવસ બાદ, હિરાસત દરમિયાન તેના પર ગુજારવામાં આવેલા અત્યાચાર અને ગંભીર ઈજાઓનો ભોગ બનવાને પગલ એક ખાનગી હોસ્પિટલમાં શ્રીજીથનું મોત નીપજ્યું હતું. તેના પરિજનોએ દાવો કર્યો હતો કે, વારાપુઝા સ્ટેશનના અધિકારીઓ દ્વારા શ્રીજીથને નિર્દયતાથી ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેને પીવા માટે એક ગ્લાસ પાણી પણ આપવામાં આવ્યું નહોતું. જો કે પાછળથી એવું પણ જાણવા મળ્યું હતું કે, પોલીસ શ્રીજીથ નામના એક અન્ય શખ્સની શોધ કરી રહી હતી, પરંતુ ખોટી ઓળખને પગલે ભૂલથી પોલીસે તેને હિરાસતમાં લઈ લીધો. કેરળ પોલીસને વિશેષ ક્રાઈમ બ્રાંચ આ કેસમાં તપાસ કરી રહી છે અને તેમણે ઘણાં અધિકારીઓની ધરપકડ પણ કરી છે. આ અધિકારીઓમાં શ્રીજીથ પર અત્યાચાર ગુજારનાર સબ-ઈન્સ્પેક્ટર દીપકનો પણ સમાવેશ થાય છે.
૧૩ વર્ષ સુધી કાનૂની જંગ લડનારી કેરળની
મહિલાએ કહ્યું; ‘‘આખરે મારા પુત્રને ન્યાય મળ્યો’’
(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.ર૬
‘‘આખરે મારા પુત્રને ન્યાય મળ્યો’’ આ શબ્દો પ્રભાવતી નામની ૬૭ વર્ષીય એ માતાના છે કે, જેણે ૧૩ વર્ષ સુધી પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે કાનૂની જંગ લડી. પ્રભાવતીના પુત્રનું વર્ષ ર૦૦પમાં હિરાસત દરમિયાન મોત નિપજ્યું હતું. રપ જુલાઈએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા આ કેસમાં બે પોલીસ અધિકારીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. સફેદ સાડીમાં જોવા મળતી આ મહિલાએ તેના પુત્રના આરોપીઓને સજા અપાવવા માટે એકલા હાથે આ કાનૂની જંગ લડી છે. આ કેસમાં ન્યાયાધીશ જે.નાઝેરે ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ દ્વારા આ મહિલાના ર૬ વર્ષીય પુત્ર ઉદયકુમારને હિરાસત દરમિયાન કરવામાં આવેલા થર્ડ ડિગ્રી ટોર્ચર અને ત્યારબાદ કરાયેલી હત્યાને પગલે પાંચ પોલીસ અધિકારીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. જેમાં બેને મોતની સજા ફટકારવામાં આવી છે અને અન્ય ત્રણને ગુના અને ત્રાસ ગુજારવા બદલ કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે છઠ્ઠા અધિકારીનું ટ્રાયલ દરમિયાન જ મોત નિપજ્યું હતું.
Recent Comments