(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૯
પશ્ચિમ રેલવેએ સોમવારે અંકલેશ્વરમાંથી રૂા.૭.૯૭ કરોડની ઇ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સૉફ્ટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર ૫૦,૫૬૮ યુઝર આઇડી બનાવી સૉફ્ટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને મુસાફરોને બ્લેકમાં વેચતો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ સૉફ્ટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી ઇ-ટિકિટના આ રેકેટમાં તે કડી કે મહરૂં છે, તેની તપાસમાં જોતરાયું છે આ રેકેટમાં દેશમાં કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. વેબસાઇટ પરથી ઇ-ટિકિટો દેશભરમાં મુસાફરોને વધુ નાણાં લઈ વેચવામાં આવતી હોય આ રેકેટના મૂળિયા પણ દેશવ્યાપી ફેલાયા હોવા સાથે વધુ લોકો આમાં સંડોવાયેલા હોવાની શક્યતા હાલના તબક્કે સેવાઇ રહી છે. સૉફ્ટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિ દ્વારા બનાવાયેલ સૉફ્ટવેર એજન્ટને આઇઆરસીટીસીની ઓળખ હેક કરવામાં મદદરૂપ થતું હતું. જેના થકી એજન્ટ એક જ સમયે મલ્ટીપર્લ ટિકિટો આઇઆરસીટીસીની વેબસાઇટ કરતાં પણ વધુ ઝડપે બુક કરી શકતો હતો. ટિકિટો કાઢયા બાદ તેનું વેચાણ ઊંચું પ્રીમિયમ લઈ મુસાફરોને કરવામાં આવતું હતું. અમિત પોતાના આવડતથી આજીવિકા રળી આપતા સૉફ્ટવેર પણ બનાવીને તેનું વેચાણ કરતો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. એટલું જ નહીં તે બીટકોઈન્સમાં વ્યવહાર કરવા માટેના સૉફ્ટવેર બનાવીને પણ તેનું વેચાણ કરતો હોવાની હકીહકતો આરપીએફની તપાસ દરમ્યાન ખૂલી છે. રેલવે તંત્રને એક શંકાસ્પદ એજન્ટની આઇપી એડ્રેસની ટીપ મળી હતી હેનાં દ્વારા આઇઆરસીટીના પોર્ટલ પર લાંબા અંતરની કન્ફોર્મ રિઝર્વેશન ટિકિટો મોટી માત્રામાં બુક કરવામાં આવી હતી. જે ટીપના આધારે આરપીએફએ શંકાસ્પદ આઇપી એડ્રેસના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની શોધખોળ શરૂ કરી હતી જેમાં માહિતી બહાર આવી હતી કે, આ એજન્ટે સુરતમાં બ્રોડબેન્ડ સેવાનો ઉપયોગ કર્યો હતો. જેપીએસ દ્વારા લોકેશન ટ્રેક કરી આઇએસપી દ્વારા સૉફ્ટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિ ને પકડી પાડવામાં આવ્યો હતો.