(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ઈ-કોમર્સના વધતા ચલણ અને સરકારની એફડીઆઈ નિતીના કારણે વિદેશી રોકાણમાં થઇ રહેલા વધારાને પગલે સ્થાનિક બજારમાં નાના રિટેઈલર્સનું સ્થાન જોખમાય રહ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ દ્વારા ઈ – કોમર્સ પ્લેટફોર્મની વેચાણ નિતિના વિરોધમાં આજે ચોકબજાર ગાંધી પ્રતિમા ખાતે ખાતે વેપારીઓએ ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આમ સુરત સહિત દેશના ૭૦૦ સ્થળો પર વેપારીઓએ ધરણાં પ્રદર્શન કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ઈ – કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જીવન જરૃરી ચીજવસ્તુથી લઇ તમામ વસ્તુઓના વેચાણમાં દિનપ્રતિદિન નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાજેતરની વાત કરીએ તો દશેરાથી દિવાળી દરમ્યાન જ અલગ-અલગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ૨૫૦ કરોડથી વધુની ખરીદી થઈ હતી. ઇ-કોમર્સ પર ખરીદી વધવા પાછળનું મહત્વનું કારણ મોટા પ્રમાણમાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ હોવાનો સ્થાનિક રિટેલર્સ માની રહ્યા છે. સીએઆઈટી ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતના જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારો મોટા પાયે ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં રોકાણ કરે છે. તેમનો મુખ્ય હેતુ ડિસ્કાઉન્ટ સાથે વસ્તુઓનું વેચાણ કરવાનો છે. તેના માટે તેઓ થોડા સમય માટે ખોટ પણ સહન કરી માર્કેટમાં પગદંડો જમાવે છે. તેવા સંજોગોમાં સરકાર ઈ-કોમર્સ પર વસ્તુઓના વેચાણ માટે એક યોગ્ય નિતી અમલમાં મુકે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં ઈ-કોમર્સ વેબસાઈટની વેચાણ નિતીની સીધી અસર રિટેલર્સ પર પડી છે અને તેઓનો ધંધો પડી ભાંગ્યો છે. આ તમામ સમસ્યાઓના વિરોધમાં સુરત સહિત દેશની ૭૦૦ જગ્યાઓ પર બુધવારે વેપારીઓ ારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં સુરતના ચોકબજાર ગાંધી પ્રતિમા ખાતે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ ારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વેપારીઓએ ધરણાંની સાથે સુત્રોચ્ચાર કરી સરકારની નિતીઓ સામે રોષ ઠાલવ્યો હતો. આ અંગે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના પ્રમુખ બરકત પંજવાનીએ જણાવ્યુ હતુ કે ઓનલાઇન ખરીદીના કારણે વેપારીઓને અને સરકારને ઘણું નુકશાન થઇ રહ્યું છે. જેના કારણે ટેક્ષ ભરવામાં પણ પ્રોબ્લેમ ઉભા થયા છે. દેશનો પૈસા બહાર વિદેશમાં જઇ રહ્ના છે. લોભામણી જાહેરાતો થકી સરકારને ઉંધા ચશ્મા પહેરાવવાનું કામ આ કંપનીઓ કરી રહી છે. જેથી ઓનલાઇન બિઝનેશ કરતી કંપનીઓ સામે યોગ્ય માપ દંડ નક્કી કરી નાના વેપારીઓ સાથે ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે. અગાઉ સુરત – નવસારીના સાંસદોને પણ વેપારીઓએ આવેદનપત્ર આપી દિલ્હી સુધી વાત પહોચાડવાનું કહ્યું હતું. પરંતુ વેપારીઓનો આ મુદ્દો હજુ પણ અધ્ધરતાલ જોવા મળી રહ્યા છે.