(એજન્સી) તા.૩
મનીલોન્ડરીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે શુક્રવારે કહ્યું હતું કે, તપાસ એજન્સી તેમના આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગઈ હતી કે ગુજરાત સરકારમાં કોણે સાંડેસરા જૂથને લાભો, વિશેષાધિકારો અને સન્માન આપ્યું હતું અને તે બદલ મારી પૂછપરછ થઈ રહી છે. પટેલે કહ્યું હતું કે, તેમણે ઈડીના ૧ર૮ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સાંડેસરા મનીલોન્ડરીંગ કેસમાં ત્રણવાર તેમની મુલાકાત લેવા બદલ ઈડીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા ઘરે ત્રણવાર આવવા બદલ ઈડીના અધિકારીઓનો આભાર. અહમદ પટેલે ટ્‌વીટર પર લખ્યું હતું કે, મેં તેમના ૧ર૮ પ્રશ્નોના જવાબ આપ્યા હતા પરંતુ તેઓ મારા એક મૂળભૂત પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. ગુજરાત સરકારમાં સાંડેસરા જૂથને અનેક લાભો, વિશેષાધિકારો અને સન્માનો આપવા બદલ કોણ જવાબદાર છે ? કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ અહમદ પટેલના સમર્થનમાં આવ્યાં હતાં અને તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોવિડ-૧૯ મહામારી વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતાની હેરાનગતિ કરવા ઈડીની ટીમ મોકલવી એ આ સરકારની પ્રાથમિકતાઓનો ‘દુરાગ્રહ’ દર્શાવે છે. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કર્યું હતું કે, હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. સ્વાસ્થ્ય કર્મીઓ સહયોગી પગલાંઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અર્થતંત્ર અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યું છે, ચીન આપણા વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે અને સરકાર આ બધા પાછળ તેનો સમય વેડફી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈડીના અધિકારીઓએ ગુરૂવારે સાંડેસરા ભાઈઓના બેંક કૌભાંડ અને મનીલોન્ડરીંગના કેસમાં ૧૦ કલાક સુધી અહમદ પટેલની પૂછપરછ કરી હતી. પૂછપરછ પછી પટેલે કહ્યું હતું કે, આ મારી અને મારા પરિવાર વિરૂદ્ધ કરવામાં આવતી હેરાનગતિ અને રાજકીય વેરભાવ છે. હું એ નથી જાણતો કે કોના દબાણમાં તપાસકર્તાઓ કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ઈડી આ પહેલાં પણ બેવાર અહમદ પટેલની પૂછપરછ કરી ચૂકી છે.