(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
આઇએનએક્સ મીડિયા મામલાની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના તપાસ અધિકારી રાકેશ આહુજાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રાકેશ આહુજાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટથી બહાર કરીને તેમને પાછા દિલ્હી પોલીસમાં મોકલી દેવામાં આવ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇડી માટે આ મામલાની તપાસ હવે નવા તપાસ અધિકારી કરશે. રાકેશ આહુજા શરૂઆતથી આ મામલાની તપાસ કરી રહ્યા હતા. તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં સહાયક નિર્દેશકના પદે નિયુક્ત હતા. આઇએનએક્સ મીડિયા મામલાની ભ્રષ્ટાચારના આરોપમાં જ ભૂતપૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ બંને તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.