અમદાવાદ, તા.૭
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુજરાતની બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર મની લોન્ડરિંગ મામલે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કંપનીની ૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ અંગે ઈડીએ જણાવ્યું કે, બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેનેજિંગ ડિરેકર રાજેશ એમ. કાપડિયા તથા અન્ય વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. તેમના વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને સીબીઆઈ પણ તપાસ કરી રહી છે.
ઈડીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, તપાસમાં આરોપી દ્વારા ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન નાના બિલો અને રિસિપ્ટ દ્વારા લગભગ ૨૫૦ કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાની માહિતી મળી છે. ઈડી અનુસાર, અમદાવાદની કેજીએન ગ્રુપ ઓફ કંપનીના માલિક આરિફ ઈસ્માઈલભાઈ મેમણે રાજેશ કાપડિયા તેમજ અન્યની સાથે સાંઠગાંઠ કરીને રૂપિયાની હેરાફેરી (મની લોન્ડ્રીન્ગ)માં મોટી ભૂમિકા ભજવી છે. આરિફ ઈસ્માઈલભાઈ મેમણે ખોટી રીતે લગભગ ૬૨ કરોડ રૂપિયા કેજીએન ગ્રુપ ઓફ કંપનીના ખાતામાં જમા કરાવ્યા છે.
ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેજીએન એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને સૈલાની એગ્રોટેક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ખેડા જિલ્લાના હરિયાલા ગામમાં આવેલી જમીન, પ્લાન્ટ અને મશીનરી તથા અમદાવાદના પાલડીમાં આવેલી મેમણની રેસિડન્સિયલ મિલકતને ટાંચમાં લીધી છે. ટાંચમાં લીધેલી સંપત્તિનું કુલ મુલ્ય ૩૪.૪૭ કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈડીએ આ મામલે પહેલા પણ ૧૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ગુજરાતની કંપનીની ૩૪ કરોડની મિલકત ટાંચમાં લીધી

Recent Comments