(એજન્સી) તા.૭
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, નેશનલ એક્ઝિક્યૂટિવ કાઉન્સિલના દેશભરમાં આવેલા જુદા જુદા કાર્યાલયો તથા ઠેકાણા પર પાડવામાં આવેલા દરોડાને વખોડ્યા છે. ઈડી દ્વારા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે જણાવયું કે ઈડી આરએસએસના હથકંડા તરીકે કામ કરી રહ્યું છે અને નિષ્પક્ષ તપાસ એજન્સી તરીકે કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે ભારતના લોકો જાણે છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને હંમેશા નિશાન બનાવવામાં આવે છે કેમ કે તે હંમેશા આરએસએસની વિચારધારાનો જાહેરમાં વિરોધ કરે છે. પોતાના નિવેદનમાં સંગઠને કહ્યું કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એ લોકોનું સંગઠન છે જે હાંસિયામાં ધકેલાયેલા મુસ્લિમ સમુદાયના લોકોના સશક્તિકરણ માટે કામ કરે છે. અમે એક સંગઠન તરીકે લોકો દ્વારા મળતાં દાન પર નિર્ભર કરીએ છીએ. અમે સરકારના નિયમોનું પાલન પણ કરીએ છીએ અને તમામ નાણાકીય વ્યવહારો તે મુજબ જ થાય છે. જોકે એવા અનેક પુરાવા અમારી પાસે છે જે દર્શાવે છે કે તપાસ એજન્સી ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એવા અનેક પુરાવા છે કે ઈડી દ્વારા એવા તમામ સંગઠનોના મોઢે તાળા મારી દેવાના પ્રયાસ કરવામાં આવે જે વિભાજનકારી અને કોમવાદી આરએસએસના એજન્ડા તથા ભાજપના રાજકીય પાંખનો વિરોધ કરે છે. આ લોકો સામે માથું ઊંચકનારા સંગઠનોને દબાવી દેવાનો જ પ્રયાસ કરવામાં આવે છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે ઈડી અને અન્ય સરકારી તપાસ એજન્સીઓ આવા નાના સંગઠનો પાછળ જ દોડી રહી છે પરંતુ જે મોટામોટા કોર્પોરેટ ઘરોબો તથા રાજકીય સંગઠનો મોટી મોટી નાણાકીય લેવડ-દેવડ કરે છે અને જેઓ આરએસએસના હિતોને પૂરા કરે છે તેમને સ્પર્શ પણ કરતી નથી.