(એજન્સી) તા.૯
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ બુધવારે ટીવી ચેનલના બે વરિષ્ઠ પત્રકારોના રાજીનામા અને શાસક પક્ષની ટીકા કરતા કાર્યક્રમના પ્રસારણ સિગ્નલ વારંવાર બંધ થવાની ઘટનાઓની નોંધ લઇને મીડિયાની સ્વતંત્રતા સાથે હસ્તક્ષેપ કરવાના કેન્દ્રની એનડીએ સરકારના તમામ પ્રયાસોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં અખબારોની આઝાદીને દબાવવાના મકસદથી નાપાક પ્રવૃત્તિઓ માટે જવાબદાર લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે અને તેમણે મીડિયા માલિકોને સરકાર કે કોઇ રાજકીય દબાણ સામે નહીં ઝૂકવા અનુરોધ કર્યો છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ જો કે તેના નિવેદનમાં કોઇ પણ ચેનલનું નામ લીધું નથી કે કોઇ એપિસોડનો સ્પષ્ટ સંદર્ભ ટાંક્યો નથી પરંતુ પુણ્ય પ્રસુન વાજપેયીએ પોતાના રાજીનામા પાછળની વાત અંગે ઘટસ્ફોટ કર્યાના થોડા દિવસ બાદ જ સરકારની આલોચના કરી છે.
પુણ્ય પ્રસુન વાજપેયીએ જણાવ્યું હતું કે મારા શો પર નરેન્દ્ર મોદીનું નામ નહી લેવાનું કહેવાથી લઇને સરકારના કોઇ પણ આલોચનાત્મક કાર્યક્રમમાં તેમની ઇમેજ નહીં બતાવવા સુધી તેમજ મારો શો માસ્ટર સ્ટ્રોક બ્લેકઆઉટ કરવા સુધી જે કંઇ બન્યું છે તે એક પ્રકારની સેન્સરશીપ છે. વાજપેયી અને મિલીંદ ખાંડેકર ઉપરાંત સિનિયર ન્યૂઝ એન્કર અભિસાર શર્માને પણ ૧૫ દિવસ સુધી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. શર્માએ પણ તેમના કાર્યક્રમ પર મોદીની કોઇ ટીકા થવી જોઇએ નહીં એવી મેનેજમેન્ટ તરફથી મળેલી સૂચનાઓ સામે સવાલ ઉઠાવ્યા બાદ શર્મા વિરુદ્ધ આ કાર્યવાહી એબીપી ન્યૂઝ દ્વારા કરવામાં આવી હતી.
એડિટર્સ ગિલ્ડે મહત્વના સંરક્ષણ સોદા પર કવરેજને બ્લોક કરવાના પ્રયાસના ભાગરુપે કેટલાક અખબારો પર એક મોટા કોર્પોરેટ ગ્રુપ દ્વારા બજાવવામાં આવેલી ‘સીઝ એન્ડ ડેઝીસ્ટ’ નોટિસને પણ વખોડી કાઢી હતી. અનિલ અંબાણી ગ્રુપ કે રાફેલ ડીલનો ઉલ્લેખ કર્યા વગર ગિલ્ડે જણાવ્યું હતું કે કંપનીએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઇએ. જો કંપની આ નોટિસ પાછી ન ખેંચે તો તેનો વિરોધ કરવો જોઇએ. આ નોટિસ અનિલ અંબાણીની માલિકીની ત્રણ કંપનીઓ દ્વારા ધ હિંદુ સહિત કેટલાક અખબારોને બજાવવામાં આવી હતી.