અમદાવાદ, તા.૯
વડોદરામાં યોજાયેલી ૯મી ચિંતન શિબિરના ત્રીજા દિવસે શિક્ષણની ગુણવત્તા વિષયક ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. જેને પરિણામે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટવા સાથે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે. પટેલે એવું સૂચન કર્યું હતું કે, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ધો. ૧ થી ૮ના વર્ગવાર ૨૦ જેટલા વિદ્યાર્થીઓનું સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પ્રેઝન્ટેશન કરવું જોઇએ. જેથી સમાજના તમામ વર્ગોને રાજય સરકારની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓની નકકર પ્રતિતિ થાય. તેમણે ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ શિક્ષણ લેતાં થાય તેવું વાતાવરણ સર્જવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૯મી ચિંતન શિબિરમાં ભાગ લઇ રહેલા પ્રત્યેક અધિકારીને પોતાના ગામની કે પોતાના ક્ષેત્રના ગામની એક-એક શાળા દત્તક લેવાનું પ્રેરક આહવાન કર્યું છે. શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌએ ગુજરાતના પ્રારંભિક શિક્ષણથી લઇને માધ્યમિક શિક્ષણ સુધારણા માટે સ્વયં ઇનોવેટીવ બનવાની પહેલ કરવી પડશે. આ સંદર્ભમાં તેમણે એવું પણ સુચવ્યું કે, પ્રવેશોત્સવ કે ગુણોત્સવમાં નબળી જણાયેલી શાળાઓ, વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ કોચીંગ યોજીને ઉત્તરોત્તર શિક્ષણ સુધારણાની મૂહિમ ઉપાડવી આવશ્યક છે. ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણની ગુણવત્તા એ માત્ર ગુજરાત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતા છે, ત્યારે રાજયમાં શિક્ષણને ગુણવત્તાયુકત બનાવવા સરકારની સાથે સમાજે પણ ચિંતા કરી સરકારી શાળાઓમાં શિક્ષણ નબળું અપાય છે એવી માનસિકતા સમાજમાં ઉભી થઇ છે તે દૂર કરવી પડશે.