(એજન્સી) તા.૧૧
ઇજિપ્તના પાટનગર કૈરોની આજુબાજુની ગીચ વસ્તીવાળા ક્ષેત્રોમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા ૧૦ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. એક સુરક્ષા અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોના ગોળીબારમાં ત્રણ અધિકારીઓ સહિત પાંચ પોલીસકર્મીઓ પણ ઘવાયા છે. સરકારી સમાચાર એજન્સી એમઇએનએના રિપોર્ટ મુજબ પોલીસે અર્દ એલ્લેવા જિલ્લા સ્થિત બે એપોર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. પોલીસને ત્યાં આતંકવાદીઓના છૂપાયા અને હુમલાનું કાવતરું રચવાની સૂચના મળી હતી. અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસની ટુકડી એપાર્ટમેન્ટ પર પહોંચી ત્યારે આતંકવાદીઓએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પ્રતિબંધિત મુસ્લિમ બ્રધરહૂડ સમૂહથી અલગ પડી ગયેલા જૂથના શંકાસ્પદ સભ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.