કૈરો, તા.પ
બે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે ઈજિપ્તના આંતરિક બાબતોના પૂર્વમંત્રી હબીબ અલ-એદલીની તેમની વિરૂદ્ધના ભ્રષ્ટાચારના આરોપો મામલે ચાલી રહેલી સુનાવણીમાં ગેરહાજર રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એદલી અગાઉ સત્તામાંથી હાંકી કઢાયેલા રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકના શાસનમાં મંત્રી પદે બિરાજમાન હતા. તેઓ છેલ્લે એપ્રિલ મહિનામાં હાજર થયા હતા. ત્યારબાદથી તેઓ એક પણ સુનાવણીમાં હાજર નહોતા. એપ્રિલમાં આપેલા ચુકાદા અનુસાર એદલી સહિત અન્ય બે મંત્રાલયના અધિકારીઓને ૧.૯પ બિલિયન ઈજિપ્તીયન પાઉન્ડ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ લોકોને તેટલા જ પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. એદલીએ અગાઉ આ પ્રકારના આરોપો ફગાવી દીધા હતા અને તેણે જાન્યુઆરી મહિનામાં ઈજિપ્તની ટોચની સિવિલ કોર્ટમાં અપીલ કરી હતી. જો કે હાલમાં તેમના વકીલે આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી. ઈજિપ્તની એક ન્યુઝ એજન્સીએ અગાઉ અહેવાલો આપ્યા હતા કે એદલીને પકડી લેવામાં આવ્યો છે. જો કે એજન્સીએ તેની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, તે અંગે કોઈ માહિતી આપી નહોતી.
આંતરિક બાબતોના મંત્રાલયમાં લાંબા ગાળાની ફરજ બજાવી ચૂકેલા એદલી સામે બે વર્ષ અગાઉ લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. ર૦૧૪માં મુબારક સહિત ૬ લોકોને સત્તામાંથી બેદખલ કરાયા હતા. જેમાં તેમનો પણ સમાવેશ થાય છે. આ લોકો પર ર૦૧૧માં દેખાવકારોની હત્યા કરવાનો આરોપ છે.