કૈરો, તા. ૨૪
ઇજિપ્તના ઉત્તર સિનાઇમાં એક મસ્જિદમાં નમાઝ દરમિયાન આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરાતા આશરે ૧૨૦ લોકોનાં મોત થયા હતા જ્યારે સેંકડો નમાઝીઓ ઘાયલ થયા હતા. અત્યારસુધી કોઇ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે, જ્યારથી ઇજિપ્તના સલામતી દળો દ્વારા આઇએસઆઇએસ સામેની લડાઇ ઉગ્ર બનાવાઇ છે ત્યારથી આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે અગાઉ આતંકવાદી હુમલાઓમાં પણ ઘણા પોલીસ અને સૈનિકો માર્યા ગયા છે. બિર અલ અબેદમાં આવેલી અલ રાવદાહ મસ્જિદની અંદર બ્લેન્કેટમાં લપેટાયેલી લાશોના ફોટા સ્ટેટ મીડિયાએ દેખાડ્યા હતા.
સ્થાનિક અહેવાલો અનુસાર આતંકવાદીઓ સૈન્ય કર્મીઓના પોશાકમાં આવ્યા હતા અને કાળા વાવટા ફરકાવતા હત્યાકાંડ શરૂ કરી દીધો હતો તેઓ જુમ્માની નમાઝ દરમિયાન જ મસ્જિદ પર ત્રાટકતા જાનહાનિ વધી શકે તેવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે. આતંકવાદીઓએ નમાઝ અદા કરી રહેલા નમાઝીઓ પર બ્લાસ્ટ કરતા અફરાતફરી મચી ગઇ હતી અને તે બાદ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સ્થાનિક મંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અલ આરિશ શહેરની અલ રાવદાહ મસ્જિદમાં ઘુસી ગયા હતા અને તેમણે આત્મઘાતી પોશાક પહેર્યો હતો. આતંકવાદીઓએ આખી મસ્જિદને ઘેરી લઇ બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરતા નમાઝ અદા કરવા આવેલા લોકોમાં દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટને પગલે પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડી રહેલા નમાઝીઓ પર ક્રૂર આતંકવાદીઓએ ગોળીબાર કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ ઘવાયેલાઓની મદદે આવેલી એમ્બ્યુલન્સ પર પણ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઇજિપ્તમાં સ્થાનિક લોકો આઇએસમાં જોડાયાના ત્રણ વર્ષ બાદ વર્ષ ૨૦૧૫માં રશિયાના પેસેન્જરો પર બોમ્બ વિસ્ફોટ બાદ સિનાઇ પેનિનસુલામાં આ નાગરિકો પર સૌથી મોટો આત્મઘાતી હુમલો ગણાવાયો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસિએ આ હુમલા અંગે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. પહેલા સેનાના પ્રમુખ સિસિ જ્યારે ૨૦૧૩ બાદ લોહિયાળ બનેલા સિનાઇમાં આ પહેલા મોટાભાગે સૈન્ય કર્મીઓ તથા પોલીસ કર્મીઓને જ આતંકવાદીઓ નિશાન બનાવતા હતા. જે લોકો સ્થાનિક સેનાને સાથ આપે છે તેવા આદિવાસી લોકોને પણ આતંકવાદીઓ નિશાન બનાવી રહ્યા છે. તેઓ આદિવાસીઓને સેના અને પોલીસને સાથ આપનારા બળવાખોરો ગણાવ્યા હતા.