ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા કમિટીના ચેરમેન રફીક નગરી અને હોદ્દેદારો દ્વારા યોજાયેલી મીટિંગમાં મુફ્તિ સિરાજ અહમદ, મૌલાના શાહબુદ્દીન રિઝવી, કારી નિસારૂલ મુરસલીન, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખ, એડવોકેટ ઈકબાલ શેખ, કમિટીના પૂર્વ ચેરમેન મોહમ્મદ હુસેન શેખ સહિત મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક અને રાજકીય સંસ્થાના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન રફીક નગરીનું આવું ભવ્ય આયોજન કરવા બદલ અભિવાદન કર્યું હતું.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
આગામી નવેમ્બર માસની દસ અથવા અગિયાર તારીખે ઈદેમિલાદનો મહાન દિવસ આવી રહ્યો છે. આ દિવસે રાજ્યભરના ગામેગામ, શહેરે શહેરમાં દર વર્ષે ભવ્ય જુલૂસો કાઢવામાં આવે છે. આ જુલૂસ હજી ભવ્યાતિભવ્ય બને અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય પરંતુ જુલૂસમાં ગેરઈસ્લામી રસ્મો રિવાજ કરવામાં આવે છે તે દૂર થાય, શરિઅત વિરૂદ્ધના કામો ન થાય તથા ગેર મુસ્લિમો પણ કઈ રીતે ઈસ્લામ પ્રત્યે આકર્ષાય તે માટે ચર્ચા વિચારણા કરવા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આ માટે છેલ્લા કેટલાક વર્ષોથી આ માટે મહેનત કરી રહ્યા છે તેને સફળ બનાવવા ઈદેમિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા અમદાવાદના મિરઝાપુર સ્થિત કુરેશ હોલમાં મુસ્લિમ સમાજના ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મુફતી સિરાજ અહેમદે ઉપસ્થિત ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમાજમાંથી બુરાઈઓનો ખાત્મો કરવાની અને સમાજમાં સુધારણા લાવવાની દરેકની જવાબદારી છે. આ માટે એકબીજાની મદદગારીથી કઈ રીતે કામ કરી શકાય તે આજની મીટિંગનું ઉત્તમ ઉદાહરણ છે. ઈદેમિલાદનું જુલૂસ અલ્લાહના પ્યારા હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દુનિયામાં પધરામણીની ખુશીમાં કાઢવામાં આવે છે. આથી જુલૂસ પણ એ રીતે કાઢવામાં આવે કે તેમાં આકાની સુન્નત પણ અદા કરવામાં આવે અને ગેરઈસ્લામી તરીકાથી બચી શકાય. આજે જુલૂસમાં ફટાકડા ફોડવા, સંગીતની ધૂન પર ન્આત વગાડવી, બેપર્દા ઓરતોનું જુલૂસમાં સામેલ થવું, ન્યાઝને ફેંકીને કે ઉછાળીને આપવું એ ઈસ્લામનો તરીકો નથી. બેપારકાઓનો તરીકો છે. જેને દૂર કરી હુઝુરની સુન્નત અપનાવી સાચા મુસલમાનની જેમ જુલૂસમાં સામેલ થઈ આન, બાન અને શાનથી પરંતુ સાદગીથી ઈદેમિલાદ મનાવીશું તો અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત કરી શકીશું. આથી દરેક વ્યક્તિની ફરજ છે કે બુરાઈ જુએ તો પ્રથમ તેને હાથથી રોકવાની કોશિષ કરે એ ન બની શકે તો જીભથી રોકે છતાં હિંમત ન હોય તો કમસે કમ દિલમાં બુરું જાણે તો ગુનાહોથી બચી શકાશે.
દારૂલ ઉલૂમ શાહેઆલમના મુદર્રીસ મૌલાના શાહબુદ્દીન રિઝવીએ જણાવ્યું હતું કે, પ્યારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બારગાહમાં અવાજ બુલંદ કરવાનો હુકમ નથી ત્યારે આપણે તેમના નામ પર જુલૂસ કાઢીએ અને તેમાં ડી.જે. પર મ્યુઝિકની ધૂન પર ન્આત વગાડીએ, અઝાનનો અવાજ આવે અને નમાઝ અદા ન કરીએ તો સુન્નત અને અદબના ખિલાફ છે. જુલૂસ તો એવું ભવ્ય પણ અદબથી કાઢવું જોઈએ કે લોકો મુસલમાનોને જોઈ ફખ્ર કરે. આથી જુલૂસમાં અદબ જાળવો, સ્પીકર પર જે ન્આત પઢવામાં આવે તેને ઈશ્કમાં ડૂબી જઈ ખામોશીથી સાંભળતાં જાઓ તો બરકત અને રહેમત ઉતરશેે. કાર્યક્રમમાં ઉપસ્થિત કારી નિસારૂલ મુરસલીન ધોળકાવાળાએ જણાવ્યું હતું કે, જો તમે લોકો તમારી શાન વધારવા માંગો છો તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શાનને સમજો અને ગુસ્તાખી ન કરો. અલ્લાહ અને તેના રસુલે બતાવેલા તરીકા પર અમલ અને તેમણે દર્શાવેલા કાનૂન પર અમલ કરીશું અને સારા અખલાક પેદા કરીશું તો લોકોના દિલમાં ઈસ્લામની મહોબ્બત પેદા થશે. તમામ મખલૂકમાં અને તમામ ઉમ્મત અને કોમમાં મુસલમાન સર્વશ્રેષ્ઠ મુસલમાનની મિશાલ ટ્રેનના એન્જિન જેવી છે. જો એન્જિન ખરાબ હશે તો ડબ્બા નહીં ચાલે. ઈદેમિલાદના જુલૂસમાં પણ એ રીતે સામેલ થઈએ કે તમામ કોમ ફખ્ર કરે અને ઈસ્લામ તરફ આકર્ષાય એમ જણાવી ઈદેમિલાદ કમિટીને વિનંતી કરી હતી કે જુલૂસમાં શરિઅત વિરૂદ્ધ કોઈ કામ ન થાય તેનું ધ્યાન રાખે અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચાડે. ઉપરાંત બાઈક પર ઝંડા લગાવી લોકો સ્ટંટ કરતાં હોય છે અને ગેર કોમ તો શું મુસલમાનો પણ પરેશાન થાય છે. ઈસ્લામનો મેસેજ લોકોના દિલમાં મોહબ્બત પેદા કરવાનો છે. લોકોની પરેશાની વધારવાનો નથી. આથી જેટલી અદબ જાળવશો તેટલી અલ્લાહની રહમત અને બરકત ઉતરશે તેમ જણાવ્યું હતું.

ઈદેમિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા યોજાયેલી મીટિંગમાં કોણે શું કહ્યું ?

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ : જુલૂસ કઈ રીતે કાઢવું તેનો સંદેશો સોશિયલ મીડિયા અને અખબારોના માધ્યમથી ગુજરાતભરમાં ફેલાતા લોકોમાં જાગૃતિ આવશે. મુંબઈમાં રઝા એકેડેમી જુલૂસ કાઢે છે તેમાં ૧ લાખથી વધુ લોકો જોડાય છે. માથા પર ઈમામા, ખિસ્સામાં મિસ્વાક અને અઝાન થાય તો નમાઝની પાબંદી સાથે જુલૂસ કાઢવામાં આવે છે. દાવતે ઈસ્લામી દ્વારા પણ આજ પ્રકારે શિસ્તબદ્ધ રીતે બાવઝુ, માથે ઈમામા, ન્આત શરીફ પઢતા પઢતા અદબો એહતરામથી જુલૂસ કાઢવામાં આવે છે. દો જહાંના આકાની મિલાદનું જુલૂસ એવું કાઢો કે દુનિયા જોતી રહી જાય. ઈદેમિલાદ સુધી મસ્જિદો, મહેફીલો અને મજલીસોમાં એલાન કરાવી આ અંગે લોકોને જાગૃત કરવા જોઈએ. ન્યાઝ ભલે હજારો લોકોને ખવડાવો પરંતુ તેને વેડફો નહીં, કેક કાપવા, ફટાકડા ફોડવા, નાચવું વગેરે જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ.

જુલૂસ અલગ-અલગ કાઢવા કરતાં એક જ ભવ્ય બનાવાય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ શકે : ઈમરાન ખેડાવાલા

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા : જુલૂસ બે ભાગમાં એક સવારે અને એક બપોરે અલગ-અલગ કાઢવામાં આવે છે તે અંગે ખેદ વ્યક્ત કરી ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આ પ્રકારે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ અને મ્યુનિ. તંત્રને પરેશાની થાય છે. ઉપરાંત જુલૂસમાં પરવાનગી વિનાની ટ્રકો પણ ઘૂસી જાય છે તેનાથી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. આથી કાયદો વ્યવસ્થા જળવાય અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પરમિશન વિનાના વાહનો ન જોડાય તેવી ખાસ વિનંતી છે. ઉપરાંત ટ્રકોમાં બેઠા બેઠા ખાવા પીવાની વસ્તુઓ ફેંકવામાં આવે છે તેના બદલે હાથોહાથ વહેંચવામાં આવે તે વધારે યોગ્ય છે. આથી જુલૂસમાં જેટલા પણ શરિઅત વિરૂદ્ધના કામો કરવામાં આવે છે તે બંધ થવા જોઈએ.

જુલૂસમાં યુવાન ભાઈ-બહેનો ડી.જે.ના તાલે ઉછળકૂદ કરે તે શરિયત વિરૂદ્ધ : બદરૂદ્દીન શેખ

બદરૂદ્દીન શેખ (મ્યુનિ.કાઉન્સિલર) : જુલૂસમાં યુવાન ભાઈ-બહેનો ડી.જે.ના તાલે ઉછળકૂદ કરી ડાન્સ કરે તે શરિઅતના ખિલાફ છે. જુલૂસ ભવ્ય કાઢો પરંતુ સાદગી અપનાવો. દુનિયા જોઈ મોંમાં આંગળા નાંખતા થઈ જાય કે શું જુલૂસ છે તે પ્રકારે કાઢવું જોઈએ.

જુલૂસના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો અને ટેબ્લો દ્વારા સંદેશા પાઠવવા જોઈએ : ઈકબાલ શેખ

ઈકબાલ શેખ (એડવોકેટ) : આજના માહોલ જોતાં જુલૂસના માધ્યમથી લોકો સુધી એકતાનો સંદેશો પાઠવવો જોઈએ. મુસ્લિમો આ દેશને વફાદાર છે અને ઈસ્લામમાં વતનની મોહબ્બતને ઈમાનનો ભાગ કહેવાયો છે. પાડોશી સાથે, દોસ્તો સાથે, ગેર મુસ્લિમો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ જે જુલૂસના માધ્યમથી વિવિધ બેનરો અને ટેબ્લો દ્વારા સંદેશા પાઠવવા જોઈએ. ઉપરાંત કુર્આન અને હદીષ શરીફના સંદેશા પહોંચાડવા જોઈએ જેનાથી લોકોમાં જબરદસ્ત સંદેશો જશે.