(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વરા આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તથા કન્યા કેળવણી મહોત્સવ તા.૧૪-૧પ જૂનનાં રોજ યોજવાનો પરિપત્ર જારી કરાયો છે. તા.૧પમી જૂનનાં રોજ સંભવિત રમઝાન ઈદનું પર્વ આવતું હોવાથી ફેરવિચારણા કરી શિક્ષણ વિભાગ દ્વારા રમઝાન ઈદ દિવસ પછી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે તેવી બુલંદ લોકમાગ ઊઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામક ગુ.રા.ગાંધીનગર ડો.એમ.આઈ.જોષી અને નિયામક શાળાઓની કચેરી ગુ.રા.ગાંધીનગર જે.ડી.દેસાઈની સહી સાથેનો એક પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીઓ તથા જિલ્લા શિક્ષણ સમિતિઓને સંબોધીને બહાર પાડવામાં આવેલ છે. જેમાં જણાવાયું છે કે આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ર૦૧૮-૧૯ ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૪-૧પ જૂન દરમ્યાન યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. જે અંતર્ગત રાજ્યની અન્ય તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ સંબંધિત માધ્યમિક શાળાઓમાં કરવાનું ફરમાન પણ જારી કરાયું છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી રમઝાન ઈદનું પર્વ ૧૪મીએ સાંજે ચાંદ દેખાય તો તા.૧પ-૧૬ જૂનના શુક્રવારના રોજ આવતું હોય મુસ્લિમ સમાજની એવી માગણી છે કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની તારીખ અંગે ફેરવિચારણા કરી રમઝાન ઈદ પછી તેનું આયોજન કરે. ઈદ એ મુસ્લિમોનો સૌથી મોટા તહેવાર હોવાથી ઈદનાં દિવસે મુસ્લિમ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળામાં બોલાવવા યોગ્ય નથી. આખો પરિવાર ઈદની ઉજવણી કરતું હોય અને ભૂલકાઓ દફતર લઈને નિશાળે જાય તે બરાબર નથી. આથી આ અંગે ફેર વિચારણા જરૂરી છે. રાજ્યના શિક્ષણમંત્રી અને સામાજિક સમરસતાના હિમાયતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ આ બાબતને ગંભીરતાથી લઈ અંગત રસ લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઈદ પછી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવા કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.