(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ૧પ
આજે તા. ૧પ-૬-ર૦૧૮ શુક્રવારના રોજ, તાલુકા મથક માંગરોળ, સહિત મોસાલી, કોસાડી, શાહ, લુવારા, વસરાવી, ગડકાછ, આંકળોદ, નાનીનરોલી, વસ્તાન સહિતના ગામોમાં ઈદની ઉજવણી કરવામાં આવી છે. તાલુકાના ઝંખવાવ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ ઉપર આવેલા માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં તા. ૧પના ઈદની ઉજવણી કરવામાં આવી નથી. આ ગામોમાં તા. ૧૬ના શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવનાર છે. વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી.
મુસ્લિમ (ઈસ્લામિક) મહિનાઓની શરૂઆત ચાંદને આધારે થાય છે. આ માટે દરેક જિલ્લા મથકોએ ચાંદ કમિટીઓની રચના કરવામાં આવેલી છે. તેમ છતાં કેટલાક વખતથી મુસ્લિમોના ફિરકામાં બે ભાગો આ પ્રશ્ને ઉભા થઈ રહ્યા છે. ચાલુ વર્ષે તા. ૧૭-પ-૧૮ના રમઝાન માસનો પહેલો રોઝો ચાંદ કમિટીની જાહેરાત બાદ રાખવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ ૧૮-પ-૧૮ના રમઝાન માસનો પ્રથમ રોઝો રાખવામાં આવ્યો હતો. ર૯ રોઝા પૂર્ણ થતાં અને ચાંદના દર્શન (નજરે) થતાં કેટલાક વિસ્તારોમાં તા. ૧પના રોજ જ્યારે કેટલાક વિસ્તારોમાં તા. ૧૬-૬-૧૮ શનિવારે ઈદની ઉજવણી કરાશે. આમ ઈદની તહેવારની ઉજવણીમાં રીતસરના બે ભાગો પડી ગયા હોય એમ નજરે પડી રહ્યું છે.