અમદાવાદ, તા.ર૩
આગામી ર સપ્ટેમ્બરના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર હોવાથી ઈદના ત્રણ દિવસો દરમિયાન રથી ૪ સપ્ટેમ્બર સુધી મુસ્લિમ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પીપડા, ડબ્બા સહિત કચરાના નિકાલ માટેના સાધનો મૂકવા અને નિયમિત સાફસફાઈ કરી દવાનો છંટકાવ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં હાલ સ્વાઈન ફ્લૂ સહિત મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા તથા પાણીજન્ય ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવા રોગોએ માથું ઊંચકયું છે અને હોસ્પિટલો તથા દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ઉપરાંત હાલ વરસાદને લીધે ઠેર-ઠેર ગંદકી અને કાદવ કીચડ હોવાથી નિયમિત સાફસફાઈના અભાવે ઠેર-ઠેર મચ્છરોનો ત્રાસ અને માંદગીના ખાટલા છે. દરમિયાન આ સ્થિતિ વચ્ચે આગામી તા.ર સપ્ટેમ્બરના રોજ ઈદ-ઉલ-અઝહાનો પર્વ હોવાથી મુસ્લિમ બિરાદરો તા.રથી ૪ સપ્ટેમ્બર સુધી જાનવરોની કુરબાની કરશે. આથી આ સ્થિતિને ધ્યાનમાં લઈ કોંગ્રેસના અગ્રણી અને સામાજિક કાર્યકર જોહર ટી.વોહરાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી દર વર્ષ કરતાં આ વર્ષ પીપડા, ડબ્બા સહિતના સાધનો વધુ પ્રમાણમાં મૂકવા અને તેની બપોર બાદ સાફ કરાવી લેવા, મુસ્લિમ વિસ્તારોમાં આ દિવસો દરમિયાન સવાર-સાંજ બે ટાઈમ સાફસફાઈ કરાવવા અને દવાનો છંટકાવ તથા ફોગીંગ કરાવવા પણ માગણી કરી છે.
ઈદ-ઉલ-અઝહાના પર્વ દરમિયાન ત્રણ દિ’ સફાઈ ઝુંબેશ સઘન બનાવવા માગ

Recent Comments