(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૧
રર ઓગસ્ટ ર૦૧૮ બુધવારના રોજ ઈદ-ઉલ-અઝહા અથવા બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. મુસ્લિમ સમુદાયના આ પવિત્ર તહેવારનો પ્રારંભ ર૧મી ઓગસ્ટની રાતથી થશે. ઈસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના ઝિલ-હજ્જમાં આ તહેવાર ઉજવાય છે. આ મહિનાના દસમાં ચાંદે આ તહેવાર આવે છે અને ૧રમા ચાંદની સાંજ સુધી ‘કુરબાની’ કરવામાં આવે છે. આ મહિનામાં ઈસ્લામ મુજબ યુદ્ધ પર પ્રતિબંધ છે.
આ તહેવાર ઈબ્રાહિમ (અ.સ.) અને તેમના પુત્ર ઈસ્માઈલની યાદમાં ઉજવવામાં આવે છે. આ પિતા-પુત્રએ ‘અલ્લાહ’ માટે મહાન કુરબાની આપવાની તૈયારી બતાવી તે કરી બતાવ્યું હતું. ત્યારબાદ ઈસ્લામના આ પયગમ્બર ઈબ્રાહિમ અને ઈસ્માઈલે ‘કાબા’નું નિર્માણ કર્યું હતું. જેથી આ જગ્યાએ બેસી લોકો અલ્લાહનું સ્મરણ કરી શકે અને ઈબાદત કરી શકે. મક્કામાં સ્થિત આ કાબા શરીફ ઈસ્લામ માટે ખૂબ પવિત્ર છે.
આ દિવસે વિશ્વભરના મુસ્લિમો ઘેટા-બકરા સહિતના ઈસ્લામમાં મુખ્ય ઠેરવેલા પશુઓની કુરબાની આપી તેનો ‘ગોસ્ત’ ગરીબો અને કુુટુંબીજનો વચ્ચે વહેંચે છે.