(એજન્સી) વેેસ્ટબેન્ક, તા.૧
અટકાયતીઓ અને પૂર્વ અટકાયતી માટેની બાબતોના પેલેસ્ટીની કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આશરે ૬૫૦૦ જેટલા પેલેસ્ટીનીઓ ૨૪ ઇઝરાયેલી જેલો, કેમ્પ અને અટકાયત કેન્દ્રોમાં કેદ છે. સૂત્રોએ જણાવ્યંુ કે ઇઝરાયેલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અનેક લોકોની ધરપકડ કરી હતી. આ વર્ષે ૮૫૦ સગીરો સહિત આશરે ૪ હજાર જેટલા લોકોની ઇઝરાયેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યંુ કે ઇઝરાયેલ દ્વારા કેદીઓ સાથે જે પ્રકારની વર્તણૂંક કરવામાં આવે છે તે ઇઝરાયેલી સત્તાધીશો દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું ઉલ્લંઘન છે અને કેદીઓને તાત્કાલિક ધોરણે આંતરરાષ્ટ્રીય સંરક્ષણની જરૂરિયાત છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે તેઓ ઇરાદાપૂર્વક સામૂહિક રીતે બાળકો પર અત્યાચાર ગુજારે છે. અટકાયત કરવામાં આવેલા આશરે ૫૦૦ લોકોની વહીવટી અટકાયતની વિવાદાસ્પદ નીતિ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, જેમાં સગીરોનો પણ સમાવેશ થાય છે. કેદીઓની તબીબી સારવાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા સેંકડો બીમાર અને ગંભીર રીતે ઘાયલ અટકાયતીઓના સ્વાસ્થ્ય ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.