(એજન્સી)                    કૈરો, તા. ૧૧

ઇજિપ્તના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના દક્ષિણ ભાગમાં એક શૂટઆઉટમાં મુસ્લિમ બ્રધરહૂડના આઠ સભ્યોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, સત્તાપલટા પછી અહીં ભારે અંધાધૂધી સર્જાઇ છે અને મુસ્લિમ વિરોધી સરકાર વિરોધીઓને આતંકવાદી ગણાવી તેમનો ખાતમો બોલાવવા માગે છે. ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ ૨૦૧૩માં મુસ્લિમ બ્રધરહૂડના પ્રમુખ મોહંમદ મુરસીને સત્તા પરથી હટાવી દીધા બાદ આ સંગઠન સામે દેશવ્યાપી અભિયાન છેડ્યું છે.

ઇજિપ્તે ત્યારબાદ ઇસ્લામિસ્ટ ગ્રુપને આતંકવાદી જાહેર કરી તેના વિરૂદ્ધ અમાનવીય કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સંગઠને જણાવ્યું છે કે, તે તેનું આંદોલન શાંતિપૂર્વક ચલાવે છે અને તે તાજેતરની ઘટના અંગે તેણે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. આંતરિક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં મુસ્લિમ બ્રધરહૂડના નેતા હેલમી સાદ મારસીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કઇ જગ્યાએ શૂટઆઉટ કરાયું તેનો કોઇ ઉલ્લેખ નથી પરંતુ એમ કહેવાયું છે કે, પોલીસ સાથે ભારે અથડામણ બાદ આ ગોળીબાર કરાયો હતો અને બાદમાં સેનાએ બળવાખોરોને ઠાર કર્યા હતા. ઇજિપ્તમાં ગયા મહિને જ ત્રણ મહિનાની ઇમરજન્સી જાહેર કરી હતી જે પહેલા બે ચર્ચોમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા અને તેમાં ૪૫ લોકોનાં મોત થયા હતા. આ હુમલાની જવાબદારી દાએશે લીધી હતી.