(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
પલસાણા તાલુકાના ગાંગપોર ગામે આઠ વર્ષના પુત્રની હત્યા કરી પત્નીની હત્યા કરવા નીકળેલા પતિને પત્નીએ બુમાબુમ કરતા ભાગવા જતા ધમાચકડી મચી હતી. સોસાયટીના વોચમેન મુખ્ય ગેટનો દરવાજા બંધ કરતા ફસાઈ ગયેલા પિતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસના ઝણાવ્યા મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપોર ગામે ગ્રીનવેલી રેસીડેન્સીમાં રહેતો ૩૭ વર્ષીય મેહુલભાઈ મગનભાઈ સુતરીયા હાલ કડોદરા બારડોલી રોડ પર ગંગાધરા ગામ નજીક કાવ્યા નામની હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. મેહુલભાઈ સોમવારની રાત્રે પોતાની પત્ની રૂપલબેન છોકરી હેતવી ઉ.વ.૧૪ અને છોકરો ભવ્ય ઉ.વ.૮નાઓ સાથે સૂઈ ગયા હતા. પરંતુ આજે વહેલી સવારે પાંચ વાગ્યે મેહુલભાઈએ પોતાના સગા પુત્ર ભવ્યને મોબાઈલના વાયર વડે ફાંસો આપી કરપીણ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તે પત્નીની હત્યા કરવા માટેની તૈયારી કરી રહ્યાં ત્યારે જ પત્ની રૂપલબેન પણ જાગી ગઈ હતી. જેથી મેહુલ પત્ની રૂપલબેનને અગાસી પર લઈ જઈ મારઝુડ કરવા લાગી ગયો હતો. રૂપલે પણ બુમાબુમ મચાવતા દિકરી હેતવી જાગી ગઈ હતી. જેથી બંને પતિપત્ની નીચે આવી ગયા હતા. ત્યારે જ મેહુલ પોતાની કાર લઈ ભાગવા જતો હતો. પરંતુ ત્યાં જ સોસાયટીના વોચમેનને મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો. જેના પગલે પત્ની રૂપલબેન સહિતના આજુબાજુના રહીશો દોડતા થઈ જતાં મેહુલ પણ કાર મુકી પોતાના ઘરમાં આવી ઘરનો દરવાજા અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં આજુબાજુના રહીશોએ પત્ની રૂપલને સાથે રાખી દરવાજા તોડતા મેહુલ તેના રૂમના છતના પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પલસાણા પોલીસને જાણ કરાતા પીએસઆઈ ડી.આર. વસાવા સહિતનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો.