(એજન્સી) નવી દિલ્હી, તા.ર
રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસણીઓ અને લઘુમતીઓની વિરૂદ્ધ હિંસા વધવાને કારણે ભારત “વૈશ્વિક લોકશાહી સૂચકાંક”માં ૪રમા સ્થાન પર આવી ગયું છે. જે એક વર્ષ પહેલાંની તુલનામાં ૧૦ પગલાં નીચે છે. ગત વર્ષે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના આ સૂચકાંકમાં ભારત ૩રમા સ્થાન પર હતું. આ સૂચકાંકમાં નોર્વે પ્રથમ સ્થાન પર છે, ત્યારબાદ આઈલેન્ડ અને સ્વીડનને સ્થાન મળ્યું છે. બ્રિટનની મીડિયા સંસ્થા ધ ઈકોનોમિસ્ટ ગ્રુપના આર્થિક સૂચના એકમે આ સૂચકાંક તૈયાર કર્યો છે. આ સૂચકાંકમાં ભારતને નબળી લોકશાહીવાળા દેશોના વર્ગમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ સૂચકાંકમાં ૧૬પ સ્વતંત્ર રાજ્યો અને બે પ્રદેશોને ચૂંટણી પ્રક્રિયા અને બહુમતીવાદ, નાગરિક સ્વતંત્રતા, સરકારની કામગીરી, રાજકીય સહભાગિતા અને રાજકીય સંસ્કૃતિ જેવી પાંચ શ્રેણીઓને આધારે સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીને ચાર મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. સંપૂર્ણ લોકશાહી, અધકચરી લોકશાહી, હાઈબ્રિડ શાસન, સરમુખ્ત્યારશાહી શાસન. યુ.એસ. (ર૧મો ક્રમાંક), જાપાન, ઈટલી, ફ્રાન્સ, ઈઝરાયેલ, સિંગાપોર અને હોંગકોંગએ અધકચરી લોકશાહી ધરાવતા દેશ છે. ઈ.આઈ.યુ.એ યુ.કે. આધારિત મીડિયા બેહેમોથ ધ ઈકોનોમિસ્ટ ગ્રુપનું સંશોધન અને વિશ્લેષણ કર્યું. તેની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી. પરંતુ ઈ.આઈ.યુ.એ. પોતાને ૭૦ વર્ષોનું અનુભવી ગણાવ્યું છે અને કહ્યું છે કે તે વ્યાપાર, નાણાકીય પેઢીઓ અને સરકારને તે સમજવામાં મદદરૂપ થઈ શકે છે કે કેવી રીતે વિશ્વ બદલાઈ રહ્યું છે અને તે કેવી રીતે તકોનું નિર્માણ કરે છે અને કેવી રીતે જોખમો સામે ટકી શકાય છે.
આ સૂચકાંકમાં ન્યુઝીલેન્ડને ચોથું, ડેન્માર્કે પાંચમું સ્થાન મેળવ્યું છે. જ્યારે ટોચના ૧૦ અન્ય દેશોમાં આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને સ્વિટ્‌ઝરલેન્ડનો સમાવેશ થાય છે.
માત્ર ટોચના ૧૯ દેશો જ સંપૂર્ણ લોકશાહી ધરાવે છે, જ્યારે હાઈબ્રિડ શાસનમાં પાકિસ્તાન (૧૧૦), બાંગ્લાદેશ (૯ર), નેપાળ (૯૪) અને ભૂતાનનો (૯૯) સમાવેશ થાય છે જ્યારે સરમુખ્ત્યારશાહી શાસનમાં ચીન (૧૩૯), મ્યાનમાર (૧ર૦), રશિયા (૧૩પ) અને વિયેતનામનો (૧૪૦) સમાવેશ થાય છે. આ સૂચકાંકમાં ઉ.કોરિયાએ ૧૬૭મું તો સીરિયાએ ૧૬૬મું સ્થાન મેળવ્યું છે. ટોચનું સ્થાન મેળવનાર નોર્વેની ચૂંટણી પ્રક્રિયા, બહુમતીવાદ, રાજકીય સહભાગીતા અને રાજકીય સંસ્કૃતિને ધ્યાનમાં લઈને ૯.૮૭ ગુણાંક આપવામાં આવેલ છે.
જ્યારે ભારતનો ગુણાંક ઘટીને ૭.ર૩ પર આવી ગયો છે. જો કે તેણે ચૂંટણી પ્રક્રિયા અને બહુમતીવાદમાં ૯.૧૭મો ક્રમાંક મેળવ્યો છે પરંતુ તે અન્ય ચાર પરિણામો-રાજકીય સંસ્કૃતિ, સરકારની કામગીરી, રાજકીય સહભાગીતા અને નાગરિક સ્વતંત્રતાને આધારે સારા ગુણાંક મેળવી શક્યો નહીં. આર્થિક સતર્કતાના એકમ અનુસાર, રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસરણીઓના ઉદયથી ભારત પ્રભાવિત થયું છે. ધર્મનિરપેક્ષ દેશ હોવા છતાં દક્ષિણપંથી હિન્દુ સમુહો મજબૂત હોવાને કારણે લઘુમતી સમુદાયો ખાસ કરીને મુસ્લિમોની વિરૂદ્ધ વગર કારણે દેખરેખ અને હિંસા વધી છે.
ર૦૧૭ના અહેવાલમાં જુદા-જુદા દેશોમાં મીડિયાની આઝાદી અંગેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મીડિયા ‘આંશિક રીતે મુક્ત’ છે. સૂચકાંક અનુસાર, ભારતમાં પત્રકારોને સરકાર, સેના તથા ચરમપંથી સમૂહોથી જોખમ છે. આ ઉપરાંત હિંસાના જોખમે પણ મીડિયાની કાર્યશૈલીને પ્રભાવિત કરી છે.
ભારત ખાસ કરીને છત્તીસગઢ અને ઉત્તરીય રાજ્ય જમ્મુ-કાશ્મીરના પત્રકારો માટે જોખમકારક બની ગયું છે. પ્રશાસને મીડિયાની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ઘણા બધા અખબારો બંધ કરી દીધા છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પણ મોટાપાયે નિયંત્રણ લાદયું છે. ગત વર્ષે ર૦૧૭માં ભારતમાં ઘણા બધા પત્રકારોની હત્યા પણ કરવામાં આવી છે તેમ તેણે નોંધ્યું હતું. વર્ષ ર૦૧૭ના લોકશાહીના સૂચકાંકમાં, સરેરાશ વૈશ્વિક ગુણાંક વર્ષ ર૦૧૬માં પ.પરથી ઘટીને પ.૪૮ (૦થી ૧૦ના માપદંડ પર) થઈ ગયો હતો. કેટલાક ૮૯ દેશોએ વર્ષ ર૦૧૬ની સરખામણીએ તેમના કુલ ગુણાંકમાં ઘટાડાનો અનુભવ કર્યો હતો જ્યારે ર૭ દેશોએ સુધારો થયો હોવાનું નોંધ્યું છે. જ્યારે પ૧ દેશોએ કહ્યું છે કે વર્ષ ર૦૧૬ની સરખામણીએ તેમના ગુણાંકમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી. વિશ્વની આશરે અડધોઅડધ (૪૯.૩ ટકા) વસ્તી લોકશાહીમાં રહે છે. જો કે માત્ર ૪.પ ટકા લોકો જ સંપૂર્ણ લોકશાહીમાં રહે છે. વર્ષ ર૦૧પમાં ગુણાંક ૮.૯ ટકાથી ઘટી જતાં યુએસ સંપૂર્ણ લોકશાહીના પદ પરથી પદભ્રષ્ટ થઈ ગયું છે અને વર્ષ ર૦૧૬માં તે અધકચરી લોકશાહી ધરાવતો દેશ બની ગયો છે. વિશ્વની વસ્તીના લગભગ એક તૃતિયાંશ લોકો સરમુખ્ત્યારશાહી શાસનમાં (ચીન) રહે છે. તેમ ઈ.આઈ.યુ.એ. નોંધ્યું હતું.