(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
સોશિયલ મીડિયા પર બીએસએફ જવાનોને ખરાબ ભોજન પીરસાતું હોવાનો વીડિયો અપલોડ કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલો જવાન તેજ બહાદૂર યાદવે કહ્યું છે કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લોકસભા ચૂંટણી લડશે. તેજ બહાદૂરે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના વારાણસી લોકસભા વિસ્તારમાંથી તે ચૂંટણી લડશે. સમાચાર એજન્સી સમક્ષ તેણે દાવો કર્યો હતો કે, અનેક રાજકીય પાર્ટીઓએ તેનો સંપર્ક કર્યો હોવા છતાં તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેજ બહાદૂર યાદવે કહ્યું છે કે, જીત કે હારનો કોઇ ઇરાદો નથી. સરકારે સૈન્ય દળોને નિષ્ફળ બનાવ્યા છે. પીએમ મોદી જવાનોના નામે મતો માગે છે પણ તેમના માટે તેમણે કાંઇ નથી કર્યું. તેજ બહાદૂર યાદવે જાન્યુઆરી ૨૦૧૭માં ફેસબૂક પર ચાર વીડિયો અપલોડ કર્યા હતા જેમાં જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની સરહદે તૈનાત જવાનોને ખરાબ ભોજન અપાતું હોવાની ફરિયાદ કરી હતી. યાદવે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સેનાના અધિકારીઓ દળો માટે આવતા અનાજને ગેરકાયદે રીતે વેચી મારે છે. આવીડિયોથી સમગ્ર દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો પરંતુ બીએસએફે તમામ આરોપો ફગાવી દીધા હતા.