Ahmedabad

એક સમયે આગ ઝરતા ભાષણો કરનાર તોગડિયાની આંખોમાં પાણી આવી ગયાં

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
સોમવારે સવારે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યાલયથી નીકળી ગાયબ થયા બાદ નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મોડી સાંજે કોતરપુરથી અજાણ્યા પુરૂષની જેમ અર્ધબેભાન હાલતમાં મળી આવેલા વિહીપના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા એક સમયે આગ ઝરતા ભાષણો કરવા માટે જાણીતા હતા. મને મોતનો ડર નથી, હું આમ કરીશ, તેમ કરીશ, તેવા હાકોટા કરનાર તોગડિયાએ જ્યારે આજે સવારે શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલ ખાતેથી પત્રકાર પરિષદ સંબોધી ત્યારે ભાવુક થઈ ગયા હતા અને પોતાનું એન્કાઉન્ટર કરવામાં આવશે તેવી દહેશત વ્યક્ત કરી રીતસર આંખમાં આંસુ આવી ગયા હતા. સોમવારે આખો દિવસ પ્રવીણ તોગડિયા લાપતા બન્યાનો નાટ્યાત્મક ઘટનાક્રમ ભજવાઈ ગયો અને મોડી સાંજે કોતરપુર વોટર વર્કસ નજીકથી તેઓ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા. આ તમામ ઘટનાઓ પર બારીકાઈથી નજર રાખનાર નિષ્ણાતોના મત મુજબ ઝેડ પ્લસ સુરક્ષા ધરાવનાર વ્યક્તિ પાસે પ્રોટોકોલ મુજબ ર૪ કલાક સતત સુરક્ષાદળો હાજર હોય છે તે કેન્દ્રની સૂચના વગર જે તે વ્યક્તિના કહેવાથી એક સેકન્ડ માટે પણ દૂર ન જાય, તેમ છતાં તોગડિયાના કહેવાથી સુરક્ષાદળો જતા રહે છે અને બીજા દિવસે તેમના કાર્યાલયના રૂમમાં એક વ્યક્તિ આવી તેમના એન્કાઉન્ટરની દહેશત વ્યક્ત કરે છે. ત્યારબાદ તોગડિયા રીક્ષામાં બેસી રવાના થઈ જાય છે અને સાંજે અર્ધબેભાન હાલતમાં મળી આવે છે ત્યારબાદ ચંદ્રમણી હોસ્પિટલમાં જે બન્યું તે તમામ લોકો વાકેફ છે. દરમિયાન આજે સવારે હોસ્પિટલના રૂમમાંથી જ પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદ સંબોધી ત્યારે ખૂબ ગભરાયેલા જણાતા હતા. મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, મને જેલમાં પુરી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જેવા લાગણીસભર વાક્યો બોલી ભાવુક થઈ ગયા હતા, ગળે ડુમો પણ ભરાઈ ગયો હતો અને આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. આ રીતે તેમણે સમર્થકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પત્રકારોએ રૂબરૂમાં તોગડિયાને જોયા અને ટીવી પર કરોડો લોકોએ તોગડિયાને નિહાળ્યા ત્યારે કોઈપણ વ્યક્તિને દયા આવી જાય તેવા હાવભાવ તેમણે દર્શાવ્યા હતા. પરંતુ તેમને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એકપણ પ્રશ્નનો સચોટ ઉત્તર આપી શક્યા ન હતા અને વારેઘડીએ પાછળ જોઈ છેવટે બે હાથ જોડી વિદાય લીધી હતી. આમ આ ઘટનાક્રમ પરથી લોકોમાં એક જ ચર્ચા છે કે તોગડિયા ખરેખર ગભરાઈ ગયા છે. એક સમય હતો કે તેઓ તેમના ઝેર ઓકતા અને આગ ઝરતા ભાષણો માટે જાણીતા હતા પરંતુ જ્યારથી તેમની સામે રાજકીય ષડયંત્રો રચાવા લાગ્યા ત્યારથી તેમની જીભ સિવાઈ ગઈ છે અને આજે તો ચંદ્રમણી હોસ્પિટલ ખાતે જીભમાંથી આગ ઝરવાને બદલે આંખમાંથી આંસુ સરી પડતા તેઓ ખરેખર ગભરાઈ ગયા હોય તેવો અહેસાસ થતો હતો.