(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૪,
ગરીબ વર્ગને રાજી રાખવા વિધાનસભાની આગામી ચુટણીને અનુલક્ષીને ગરીબ કલ્યાણ મેળાની મોસમ પુરબહાર યોજવામાં આવી રહ્યાં છે. આજે વડોદરા શહેર અને ડભોઈના મેળો યોજવામાં આવ્યો હતો. પરંતુ આ મેળાવડા ભાજપનાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે કંટાળાનો વિષય બની ચુક્યા છે. સયાજીનગરગૃહમાં આજે યોજાયેલા મેળામાં સ્વયં મેયર ભર ઉંઘમાં હોય તેમ વારંવાર બગાસા ખાતા હતાં. જ્યારે મ્યુ. કમિશ્નર તેમનાં મોબાઈલ ઉપર સતત વ્યસ્ત જણાયા હતાં. મેળાની કાર્યવાહી મેળાની રીતે ચાલતી હતી. જ્યારે અન્ય ધારાસભ્યો ગેર હાજર હતાં.
રાજ્ય રમત ગમત મંત્રી રાજુભાઈ ત્રિવેદીનાં અધ્યક્ષ પદે આજે અકોટા સ્થિત સયાજીનગરગૃહમાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં કરોડો રૂપિયાની સાધન સામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. રાજ્ય રમત ગમત મંત્રીનાં હસ્તે એક તરફ સાધનોનું વિતરણ થઈ રહ્યું હતું જ્યારે મંચ ઉપર બાજુમાં બેસી રહેલાં મેયર ભરત ડાંગર બગાસા ઉપર બગાસા ખાતા હતાં. તેમને કદાચ મોડીરાત સુધીનો ઉજાગરો હશે એટલે બગાસા ખાતા હશે એવી ટકોર પ્રેક્ષકોએ કરી હતી.
જ્યારે મેયરની પડખે બેસેલા મ્યુ. કમિશ્નર વિનોદ રાવ તેમની હંમેશની ટેવ મુજબ સતત મોબાઈલ ઉપર વ્યસ્ત જણાયા હતાં. બંનેને મેળાની કાર્યવાહીમાં જાણે કાંઈ રસ જ ન હોય તેવું દ્રશ્ય ખડુ થતાં પ્રેક્ષકો તેમની સામે જોઈ અંદરો અંદર ચડભડ કરતા હતાં. ધારાસભ્યોની ગેરહાજરી સુચક હતી. જિલ્લા પંચાયતનાં અધિકારીઓ ગેરહાજર હતાં. મેળો મેળાની રીતે ચાલતો રહ્યો અને સમાપન થયુ એ સાથે મંચ ઉપર કંટાળો અનુભવી રહ્યા હોય તેમ ચાલતી પકડી.