(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે શુક્રવારે યોજાયેલી ઐતિહાસિક શિખર બેઠકમાં બંને દેશો કાયમી શાંતિ સંધિ કરવા માટે રાજી થઇ ગયા. આ બંને દેશોના નેતાઓથી બોધપાઠ લઇને ભારત અને પાકિસ્તાને પણ પોતાના મતભેદો દૂર કરવાના પ્રયાસો કરવાની હિમાયત કરતા પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે કે પ્રદેશમાં શાંતિ વ્યવસ્થા કાયમ કરવાના પ્રયાસો થવા જોઇએ અને આ ‘સૌથી નેક મકસદ’ હશે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ-ઇને ૨૭મી એપ્રિલ શુક્રવારે એક આંતર-કોરિયન શિખર બેઠક દરમિયાન કાયમી શાંતિ અને કોરિયન દ્વિપકલ્પને પરમાણુ શસ્ત્રોથી મુક્ત બનાવવા પર સહમતિ વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના ડોન ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાને પણ દુશ્મનીનો અંત આણવાના અને સંબંધો સામાન્ય બનાવવા તેમ જ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા જોઇએ. ભારત અને પાકિસ્તાન હજારો વર્ષ સુધી એક દેશ રહ્યા છે. ૧૯૪૭માં બ્રિટિશ પાસેથી આઝાદી મળી ત્યારે ભારત બે દેશોમાં વિભાજિત થઇ ગયું અને ત્યારથી બંને દેશો વચ્ચે છેલ્લા ૭૧ વર્ષથી અશાંતિ અને દુશ્મની ચાલી રહી છે. છેલ્લા ૭ દાયકામાં બંને દેશો વચ્ચે ઘણી વાર ઘર્ષણ થયું છે. એટલું જ નહીં, ૧૯૬૫,૧૯૭૧ અને ૧૯૯૯માં યુદ્ધ પણ થયા છે.
ડોન અખબારે પોતાના તંત્રીલેખમાં લખ્યું છે કે બંને કોરિયન દેશો વચ્ચે સંબંધોની નવી શરુઆત થઇ છે અને દક્ષિણ કોરિયા ઉપખંડમાં સંબંધોમાં સ્થિરતા વચ્ચે ચોક્કસપણે તુલના કરાશે. પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તનાવ અને વિવાદ બંને કોરિયન દેશો વચ્ચેના મુદ્દાઓથી મૌલિક રીતે અલગ છે. ભારત અને પાકિસ્તાને બહુ જ અલગ અને ફેરવી ન શકાય એવો અફર ઇતિહાસ બનાવ્યો છે જ્યારે બંને કોરિયન દેશો પુનઃજોડાણ ઇચ્છે છે. ભારત અને પાકિસ્તાનની સ્થાયી સંસ્કૃતિ, બંને દેશોના લોકોના સમાન સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓ સાથે શાંતિની શોધ આ ક્ષેત્ર માટે સૌથી નેક મકસદ હશે.
તંત્રીલેખમાં એવુંં પણ જણાવવામાં આવ્યું છે કે કોરિયન શિખર બેઠકની અદ્‌ભૂત કલ્પના ૧૯૯૯માં તે વખતના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની લાહોરની ઐતિહાસિક યાત્રા દ્વારા ઊભી કરવામાં આવેલી અભૂતપૂર્વ આશા અને અપેક્ષાઓની યાદ અપાવે છે. વાજપેયીની લાહોરની યાત્રા બાદ તરત જ પાકિસ્તાની સેના કારગિલમાં ઘૂસી હતી અને બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. ભારત અને પાકિસ્તાનની નેતાગીરી માટે આ સમય ફરીએક વાર શાંતિ અને મૈત્રીના માર્ગે ચાલવાનો છે. ૨૦૧૬માં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન દ્વારા ત્રાસવાદી હુમલા બાદ બંને દેશોના સંબંધો બગડી ગયા છે અને બંને દેશો વચ્ચે કોઇ પણ પ્રકારની દ્વિપક્ષીય મંત્રણા થઇ રહી નથી.