(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૮
રાજુલામાં શરદી-ઉધરસની દવામાં વપરાતી લીકવીડનો કેફી દ્રવ્ય તરીકે બજારમાં વેચાણ થતું હોવાની ફરિયાદને લઇ રાજુલા પોલીસે રેડ પાડી એક દુકાનમાંથી ૧૦ બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને રાજુલા શહેરમાં પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ઉધરસની દવાની કેફી પીણા તરીકે ઉપયોગ થતા હોવાની બાતમીને લઇ રાજુલા પોલીસને સૂચના આપતા રાજુલા પીઆઇ યુ.ડી. જાડેજાએ રાજુલા-જાફરાબાદ રોડ ઉપર આવેલ હીરા પન્ના કોમ્પ્લેક્ષમાં આવેલ રાજપૂતાના નામની દુકાનમાં રેડ પાડતા ત્યાંથી શરદી ઉધરસમાં વપરાતી લીકવીડ કોલા વોટર બોટલ નંગ ૧૦ કિંમત રૂપિયા ૫૦૦ તેમજ બોટલ વેચાણના રૂપિયા અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૬૧,૦૪૦ના મુદ્દામાલ સાથે વિનુભાઈ હામુભાઇ બાબરિયા (ઉ.વ.૨૧) રહે.વડનગર વાળની ધરપકડ કરી હતી તેમજ દુકાન માલિક નરેન્દ્ર બચુભાઈ ધાખડા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.