(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૪
બેચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે આજે સવારે એક જ કોમના બે જૂથો વચ્ચે ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીની અદાવત અને પાણીના પ્રશ્ને ગંભીર અથડામણ થતા બંને પક્ષના ૧૬ જેટલા વ્યકિતઓને ઈજાઓ થવા પામી હતી. આ બનાવના પગલે બેચરાજી પોલીસને જાણ થતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો સંભાળી લીધો હતો. બંને જૂથની સામસામી ફરિયાદો દાખલ થતા આ ગુનામાં ૩ર આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી પોલીસે ૧૦ આરોપીઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદે નાગોરી ઝાકીરભાઈ આલમભાઈ વિજેતા બન્યા હતા. ત્યારથી હારેલા પક્ષ વચ્ચે એક બીજાને મનદુખ ચાલતું હતું. જેની અદાવતના ભાગરૂપે આ બંને જૂથો વચ્ચે ગઈકાલ રાત્રીએ અથડામણ બાદ મામલો શાંત પડી ગયો હતો. પરંતુ આજે સવારે ફરીથી જૂની અદાવતના પગલે આ બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોતજોતામાં બંને જૂથના ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરી ઘરોને નુકસાન પહોંચાડયું હતું.
આ ઘટનાની જાણ બેચરાજી પોલીસ સ્ટેશને થતા પો.સ.ઈ. એ.જે. બારોટ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ ગંભીર જણાતા મહેસાણા જિલ્લામાંથી વિવિધ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી ગામના વિવિધ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અથડામણમાં ઈજાગ્રસ્તને શંખલપુર ખાતે સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખાતે ખસેડયા હોવાનું જાણવા મળે છે. ચંદ્રોડા ગામના હાલના સરપંચ નાગોરી ઝાકીરભાઈ આલમભાઈએ રપ આરોપીઓ વિરુધ્ધ તેમજ સામે પક્ષે નાગોરી હૈદરભાઈ હમીરભાઈએ ૭ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.