(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૭
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુર્જરવાડા ગામે સાંજના સમયે ઘરના શૌચાલયના કૂવા ઉપર ઊભા રહી લીમડાના વૃક્ષની ડાળીઓ કાપી રહેલ પરિવારના મોભી કૂવાનો પથ્થર તૂટતા ગરકાવ થતાં તેમને બચાવવા જતાં પત્ની સહિત અન્ય ત્રણ મળી પાંચ જણાના ખાળ કૂવામાં ગેસ ગળતરથી મોત થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાંચે મૃતકોને બહાર કાઢી ૧૦૮ દ્વારા સમી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગેસ ગળતરથી બેભાન બનેલા એક શખ્સને ગંભીર હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુર્જરવાડા ગામે આજે સાંજના સમયે નાડોદા સિંધવ રતીલાલ જલાભાઈ પોતાના ઘરના શૌચાલયના કૂવા ઉપર ઊભા રહી લીમડાના વૃક્ષની લટકી પડેલી ડાળીઓ કાપી રહ્યા હતા ત્યારે અચાનક જ કૂવા ઉપરનો પથ્થર તૂટતા તેઓ અંદર ગરકાવ થયા હતા. આ દૃશ્ય બાજુમાં ઊભેલા તેમની પત્ની રંજનબેન રતીલાલ નાડોદાએ જોતા બૂમાબૂમ કરી પતિને બચાવવા દોટ મૂકતા તેઓ પણ ગરકાવ થઈ ગયા હતા. રંજનબેનની બૂમાબૂમ સાંભળી આજુબાજુ રહેતા અને ઘરમાં રહેલા પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા અને ૧પ ફૂટ ઊંડા કૂવામાં પડેલા આ પતિ-પત્નીને બચાવવા કૂવામાં ઉતરેલા નાડોદા રતાભાઈ જલાભાઈ, રાજાભાઈ પંચાણભાઈ નાડોદા અને અજાભાઈ ગગજીભાઈ નાડોદાનું કૂવામાં ગેસ ગળતરથી ગૂંગળાઈને મોત નિપજ્યું હતું. જ્યારે જામાભાઈ ગગજીભાઈ નાડોદને બેભાન અવસ્થામાં બહાર કાઢી ગંભીર હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના છ જણા કૂવામાં ગરકાવ થયાની જાણ ગામમાં ફેલાતા દોડધામ મચી ગઈ હતી અને સમી મામલતદાર તથા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક પાંચ જણાને ૧૦૮ દ્વારા સમી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક રતાભાઈ જલાભાઈ સમી ખાતે આવેલ ગુજરાત ગ્રામીણ દેના બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા જેઓ નોકરી પરથી ઘરે આવ્યા અને બનાવ બનતા કૌટુંબિક ભાઈ-ભાભીને બચાવવા કૂવામાં ઉતરતા તેમનું પણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.