(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૭
સાયલા ગામમાં તસ્કરોની અવારનવાર રંજાડના કારણે સાયલા ગામના વેપારીઓમાં ભારે રોષ છવાઈ જવા પામ્યો છે. ત્યારે તસ્કરોને ઝડપવા રાત્રિના નાઈટ પેટ્રોલિંગ કરવા પોલીસ તંત્ર સાવ સદંતર નિષ્ફળતા દાખવવાના કારણે વેપારીઓએ પોતપોતાના ધંધા-રોજગાર બંધ રાખી પોલીસ તંત્ર સામે રોષની લાગણી સાથે ફિટકાર વરસાવ્યો છે.
સાયલામાં જુદા-જુદા વિસ્તારોમાં સમય અંતરે તસ્કરો દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. તમામ વખતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા પોલીસમાં રજૂઆત કરવા છતા પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ છવાયો છે. ત્યારે હાલમાં સાયલામાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં સળંગ ચાર દુકાનના તાળા તુટ્યા છે અને ચારેય દુકાનમાં તસ્કરો દ્વારા તસ્કરી કરાઈ હોવાના કારણે વેપારીઓમાં ભારે રોષ છવાયો છે અને સાયલા ગામ સજ્જડ બંધ પાળી રજૂઆત કરવામાં આવેલ છે.
સાયલના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ અરિહંત ઈલેકટ્રીક દુકાનના તાળા તોડી ૪ નંગ એલઈડી ૪ ડીવીડી અને ર આરોપ્લાન્ટ મળી રૂા.૪૧,૦૦૦ની માલમતા ઉસેડી ગયા છે. જ્યારે મહાજન પાંજરાપોળની ઓફિસમાં રખાયેલ તિજોરી અને ટેબલના ખાનાના તાળા તોડી રૂા.૪૦,૦૦૦/-ની ચોરી કરી ગયા છે. જ્યારે ગોકુલ મેડિકલના તાળા તોડી રૂા.૭,૦૦૦/-ની ચોરી કરી ગયા. સાયલા વેપારી મંડળના ઉપપ્રમુખની રતીલાલ પટેલની એગ્રોની દુકાનના તાળા તોડી જંતુનાશક દવાના પાંચ બોક્ષ અને ટેબલમાં રહેલ રોકડ રકમ ર૮,૦૦૦ અને ખાદી ભંડાર દુકાનમાંથી રૂા.રપ૦૦ની રોકડ રકમનો સફાયો કરીને લઈ ગયા છે. ત્યારે ડોગ સ્કવોડ બોલાવાઈ હતી પરંતુ કોઈ સગડ અંેધાણ મળ્યા ન હતા ત્યારે વેપારીઓ દ્વારા રોષ છવાતા સાયલા સજ્જડ બંધ પાળી અને પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.