(એજન્સી) લખનઉ, તા. ૫
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન માટે બંને દળોએ સૈદ્ધાંતિક સહમતી કરી લીધી છે અને બંને વહેલી તકે ગઠબંધનની જાહેરાત કરી દેશે. ભાજપ સામે ૨૦૧૯માં લડવા માટે ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને માયાવતીએ કોંગ્રેસને બાજુમાં રાખી ગઠબંધન કરી લેવાના સમાચાર બાદ રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું કે, તેઓ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં એકલા હાથે ચૂંંટણી લડવા પાર્ટી તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે જગ્યાનું મહત્વ નથી, અમારા કાર્યકરો તૈયાર છે. ગઠબંધન માટે અમે કોઇને કહ્યું નથી. રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે ઉત્તરપ્રદેશમાં બેઠકોની વહેંચણી મુદ્દે શુક્રવારે દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસથી નારાજ બંને નેતાઓ ઉત્તરપ્રદેશમાં તેની સાથે ગઠબંધન કરવા તૈયાર થાય તેવા સંકેત નથી. દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાએ અહેવાલોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. અખિલેશ યાદવના કાકા અને સમાજવાદી પાર્ટીમાં બીજા નંબરના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે, કોંગ્રેસને કોરાણે મુકવાની વાતો કાલ્પનિક છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, તમે શા માટે તર્ક લગાવી રહ્યા છો ? અખિલેશ યાદવે સંકેતોમાં કહ્યું હતું કે, મધ્યપ્રદેશના કમલનાથ સરકારના નવા મંત્રીમંડળમાં અમારા એકમાત્ર ધારાસભ્યને મંત્રીપદ અપાયું નહીં, કોંગ્રેસને બહમતીના આંકડા સુધી પહોંચાડવામાં પાર્ટીની મહત્વની ભૂમિકા હોવા છતાં કોંગ્રેસે પહેલા આપેલા વચનને પાળ્યું નથી. તેમણે ગયા અઠવાડિયે જણાવ્યું કે, અમારા ધારાસભ્યને મંત્રી ન બનાવવા બદલ કોંગ્રેસનો આભાર. આમ કરીને કોંગ્રેસે ઉત્તરપ્રદેશનો માર્ગ મોકળો કરી દીધો છે. મધ્યપ્રદેશમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસને ટેકો આપનારા માયાવતીએ કહ્યું કે, રાજ્યમાં એપ્રિલ માસમાં થયેલા આંદોલનમાં અનુસૂચિત જાતિના લોકો સામે કરેલા કેસો પરત ખેંચાશે નહીં તો તેઓ પાર્ટીને આપેલા સમર્થનને પરત લેવા માટે વિચારણા કરશે. વચનો પુરા ના કરી કોંગ્રેસે ભાજપ જેવું વર્તન કરવું ન જોઇએ.