(એજન્સી) જાકાર્તા, તા. ૧૪
ઇન્ડોનેશિયાની એક મહિલાના ભાવિ પતિનું લાયન એર ક્રેશમાં મોત થયું હતું. પોતાના ભાવિ પતિની ઇચ્છા પુરી કરવા માટે ઇન્ડોનિશિયાની મહિલા ઇન્તન સયારીએ એકલા લગ્નના ફોટા પડાવ્યા છે. સયારીના રિયો નંદા પ્રતમા સાથે ૧૧મી નવેમ્બરે લગ્ન થવાના હતા પરંતુ ૨૯મી ઓક્ટોબરે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં પ્રતમાનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રતમાએ વિમાનમાં પ્રવાસે જતા પહેલા મજાકમાં સયારીને કહ્યું હતું કે જો તે ૧૧મી નવેમ્બરે લગ્નના દિવસે સમયસર નહીં આવે તો સયારીએ એકલા લગ્નના ફોટા પડાવી લેવા જોઇએ. પ્રતમાને ક્યાં ખબર હતી કે તેની આ મજાક સાચી પડી જવાની છે અને તે ૧૧મી નવેમ્બરે લગ્નના સમયે આવવાનો નથી તેમ જ સયારીને એકલા જ લગ્નના ફોટા પડાવવા પડશે. જોકે, સયારીએ પોતાના ભાવિ પતિની ઇચ્છા પુરી કરવા માટે લગ્નના ફોટા એકલા પડાવ્યા છે. સયારીના વેડિંગ ડ્રેસમાં ફોટા પાડનાર ફોટોગ્રાફરે પ્રતમાએ સયારીને કહેલા શબ્દોને ટાંકીને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ‘જો હું ૧૧મી નવેમ્બર સુધી પરત નહીં આવું તો તારા માટે મેં પસંદ કરેલા વેડિંગ ગાઉન પહેરીને તું ફોટા પડાવી લેજે. પ્રતમાએ સયારીને એવું પણ કહ્યું હતું કે લગ્નના દિવસે સુંદર મેકઅપ કરજે, તેણે સયારીને સફેદ ગુલાબનું પણ કહ્યું હતું. સારા ફોટા પડાવીને આ ફોટા મને મોકલજે.’ બીબીસીએ ઇન્ડોનેશિયન મહિલાને એમ કહેતા ટાંક્યા છે કે મને ભારે દુઃખ થઇ રહ્યું હોવા છતાં હું તેનું વર્ણન કરી શકતી નથી. મને તમારા માટે સ્મિત વેરવું પડશે. હું ઉદાસ થઇ શકું નહીં પરંતુ તમારા કહ્યા મુજબ મારે મજબૂત થવું જોઇએ. વેડિંગ ફોટામાં સયારી સફેદ વેડિંગ ગાઉન પહેરેલી જોવાય છે અને સયારી માથે હિજાબ પણ પહેરેલો છે. લાયન એર ફ્લાઇટ જેટી ૬૧૦ ગત ૨૯મી ઓક્ટોબરે ઇન્ડોનેશિયાના જાકાર્તાથી પંગકલ પિનાંગ જતી વખતે ઉડાન ભર્યાના એક કલાક પછી સમુદ્રમાં તૂટી પડી હતી. આ વિમાન દુર્ઘટનામાં દિલ્હીમાં રહેતા એક ભારતીય પાઇલટ ભવ્ય સુનેજાનું પણ મોત થયું હતું.