(એજન્સી) મુંબઈ, તા.ર૬
મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસે પાર્ટી છોડી શકે છે. તેમણે આ સંકેત એક સમારંભમાં આપ્યો. એકનાથ ખડસેએ ભૂસાવલમાં પાટિલ સમુદાયના એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, તેમના પર હંમેશા કોઈ પાર્ટીની છાપ લાગેલી હોતી નથી. કોઈએ પણ તેને હળવાશથી લેવી ન જોઈએ. ખડસે પાટિલ સમુદાયમાંથી આવે છે. જમીન ગોટાળાના આરોપ લાગતા તેમને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ઉલ્હાસરાવ પાટિલ પણ હાજર હતા. તેમણે ખડસેને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું. ખડસે સાથે તેમના પક્ષમાં ભારે અન્યાય કરાયો છે. અશોક ચૌહાણ પણ ખડસેને કોંગ્રેસમાં સામેલ થવા કહી ચૂક્યા છે.
ખડસેએ કહ્યું કે, એકતાનો કોઈ વિકલ્પ નથી. અંગત જીવનના સંઘર્ષ માટે રાજનીતિને દર કિનાર કરવી પડે છે. પછી ભાજપમાં રહું કે કોંગ્રેસમાં. કોઈ પાર્ટીમાં કાયમ રહેવા કોઈ દબાણ કરી શકે નહીં. અન્યાય સામે લડાઈ લડવી જોઈએ. પછી તે ગમે તેટલી મોટી હોય. અમે મોટી સંખ્યામાં છીએ. ભાજપના દિગ્ગજ નેતા પાર્ટી છોડે તો ભાજપને નુકસાન થઈ શકે છે.