(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
જનતા દળ (એસ)ના મહાસચિવ દાનિશ અલીએ જણાવ્યું હતું કે, બધા જાણે છે કે, અમારે બલિદાન આપવું પડ્યું અને ભાજપ સામે લડવા માટે અમે એક થયા છીએ. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ લડી રહ્યા હતા અમે દિલ્હીમાં ભાજપ સામે લડ્યા હતા અને દેશમાં કોઇપણ ખૂણે ભાજપ સામે લડવા તૈયાર છીએ. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ચૂંટણી બાદ ગઠબંધન કરાવવામાં દાનિશ અલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ નેતાગીરી દ્વારા મતગણતરી પુરી થયા પહેલા જ તેમનો સંપર્ક કરાયો હતો. તેમને પુછવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાંથી કયો બોધપાઠ લેવા જેવો છે ત્યારે તેમણે કહ્યું કે, હું ચૂંટણી પહેલા જ કહેતો હતો કે, આ ચૂંટણી દેશના રાજકીય નકશાને બદલી નાખશે અને એવું જ થયું જ્યારે કોંગ્રેસ અને જેડીએસ ભાજપ સામે લડવા માટે એક થયા અને સમગ્ર વિપક્ષ એક થયો તે બધા જોઇ શકે છે. આ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે ઉલ્ટી ગણતરીના દિવસો શરૂ થઇ ગયા છે. હવે જે થવાની શરૂઆત થઇ છે તે જ થશે. લોકો એવું વિચારી રહ્યા હતા કે, કોઇપણ ભોગે અમિત શાહ જેડીએસને મનાવી લેશે. કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પ્રચારમાં જે રીતે આક્ષેપો થયા તેને જોઇ કોઇએ વિચાર્યું નહીં હોય કે આ રીતે બંને વચ્ચે ગઠબંધન થશે. અમે ભાજપને હરાવવા દિલ્હી કે દેશના કોઇપણ સ્થાને એક થવા માટે તૈયાર છીએ.