(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
બુધવારે જ્યારે ફિલ્મનિર્માતા એકતા કપૂરને તાજેતરમાં ભારતમાં વધેલી પેટ્રોલની કિંમત અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેણે આપેલી પ્રતિક્રિયાને પગલે ટ્‌વીટર યુઝર્સ ખડખડાટ હસી પડ્યા છે. એકતાએ કહ્યું હતું કે, “આજના સમયમાં પેટ્રોલની કિંમત ગમે તેટલી આસમાને પહોંચે તો પણ મહિલાઓ પુરૂષોને અને પુરૂષો મહિલાઓને સવારી માટે લઈ જશે. આ એ ફિલ્મ નથી કે, જેને તમે ઓછા ખર્ચ કરવાની પરિસ્થિતિમાં જોવાનું બંધ કરી દો. આ તો એવો સમય છે કે, તમે ડ્રાઈવિંગ માટે ઓછા અને થિયેટર માટે વધારે પૈસા ખર્ચો.” એકતાની આ પ્રતિક્રિયા માઈક્રોબ્લોગિંગ સાઈટ પર વાયરલ થઈ રહી છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર રાકેશ શર્માએ લખ્યું છે કે, “પ્રચલિત વૈશ્વિક અર્થશાસ્ત્રી એકતા કપૂર પોતાના વિચારો અલ્પજ્ઞાની મનુષ્યો સાથે શેર કરી રહી છે. આપણે તેણીને અને ચેતન ભગતને સાથે નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ કરી શકીએ ? આશા રાખીએ છીએ કે, તેઓ ફુગાવાને નિયંત્રણમાં રાખીને પાણીથી ચાલતી ટ્રકને વિકસિત કરે, કે જેના દ્વારા આપણા દૈનિક પુરવઠાઓ, ફળો અને શાકભાજીઓને પહોંચાડી શકાય.” જ્યારે પત્રકાર નિધિ રઝદાન આ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમણે પૂછ્યું છે કે, “આનો અર્થ શું છે ?” પત્રકાર રિચા અનિરૂદ્ધે ટિ્‌વટ કરી છે કે, “આ ‘કુછ ભી’નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
એકતાના નિવેદન બાદ ડૉ.સાનિયા હિન્દુસ્તાનીએ ટિ્‌વટ કરી છે કે, એમાં કોઈ જ શંકા નથી કે, એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીને તક આપી હતી. અન્ય ટ્‌વીટર યુઝરે કહ્યું કે, આ શું મજાક છે ? શું તેણીની નશામાં છે.
હર્ષા અગ્રવાલ નામની યુઝરે લખ્યું છે કે, મે તેણીનીનું આ નિવેદન ધૂમ તાના ના ના પાર્શ્વ સંગીત સાથે ૩ વખત વાંચ્યું પરંતુ મને કંઈ પણ સમજાયું નહીં.
અન્ય એક યુઝરે ટિ્‌વટ કરી છે કે, શું તેણીએ સ્ટેજ પર આવતા પહેલાં પેટ્રોલ પી લીધું હતું ?
રોહિત નામના એક યુઝરે લખ્યું છે કે, તે શું ફૂંકીને આવી છે તે જાણવા જેવું છે ?
ઘણાને એવું પણ આશ્ચર્ય થશે કે, એકતા કપૂરને વધતી કિંમતો અંગે શા માટે પૂછવામાં આવ્યું. તેનું કારણ એ છે કે, જ્યારે યુપીએ સરકાર દરમિયાન અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિતના ઘણા બધા ફિલ્મ જગતના સિતારાઓએ ટિ્‌વટ દ્વારા અથવા તો નિવેદન આપીને પોતાની પેટ્રોલની વધતી કિંમતો અંગે પ્રતિક્રિયા જણાવી હતી.