(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં શાંતિ, એકતા અને સદ્‌ભાવના દ્વારા કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા વલણોને મૂળમાંથી નાબૂદ કરવા અને રાજ્યમાં શાંતિ, એકતા અને સદ્‌ભાવનાને વધુ બળવત્તર બનાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય એકતા સમિતિની રચના કરવામાં આવી છે આ એક ઉત્તમ પ્રયાસ છે. ચોંકાવનારી વાત એ છે કે કોમી એકતા અને એખલાસવાળું વાતાવરણ જાળવવા આ સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ આ સમિતિમાં મુસ્લિમ સહિત લઘુમતી સમાજના એકપણ ધારાસભ્ય, પ્રતિનિધિ કે, ધાર્મિક આગેવાનને ન સમાવાતા સરકારની નિયત સામે શંકા ઉપજે તેમ છે.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે માર્ગદર્શક સૂચનો કરવા અને કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા અનિષ્ટોને નાબૂદ કરવાના ઉપાયો સૂચવવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા પરિષદની રચના કરવામાં આવી છે. તે જ પ્રમાણે રાજ્ય કક્ષાએ પણ રાજ્યમાં શાંતિ, એકતા અને સદ્‌ભાવના દ્વારા કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા વલણોને મૂળમાંથી નાબૂદ કરવા અને રાજ્યમાં શાંતિ, એકતા અને સદ્‌ભાવનાને વધુ બળવતર બનાવવા રાજ્યના ગૃહ વિભાગે પણ રાજ્ય એકતા સમિતિની રચના કરી છે.
રાજ્ય કક્ષાની રાજ્ય એકતા સમિતિમાં મુખ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, સાંસદો, ધારાસભ્યો, સ્વૈચ્છિક સંગઠનો, એનએસયુઆઈ, એબીવીપીના પ્રતિનિધિ, વિવિધ ઝોનના વેપારી મહામંડળો, વિવિધ અખબારોના તંત્રીઓ, અમદાવાદ સહિત ૮ મહાનગરપાલિકાના મેયરો, વકીલો, સંતો, મહંતો, રાજ્યના મુખ્ય સચિવ સહિતના સચિવો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત ૬૩ લોકોની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ સહિત એકપણ લઘુમતી ધારાસભ્ય, લઘુમતી અખબારના તંત્રી, લઘુમતી ધાર્મિક આગેવાનોનો તેમાં સમાવેશ ન કરાતાં સરકારની કોમી એકતા જાળવવાની નીતિ સામે પ્રશ્નાર્થો ખડા થયા છે.
જ્યારે કોમી એકતા અને શાંતિ, સદ્‌ભાવનાને વધુ બળવત્તર બનાવવા એકતા સમિતિની રચના કરવામાં આવતી હોય ત્યારે તેમાં તમામ ધર્મ, સમાજ અને જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવો પડે, તેમના વિચારો જાણવા પડે, તેમના સમાજમાં કોમી, એકતા માટેના કાર્યક્રમો આપવા પડે. પરંતુ એકતા સમિતિના નામે સરકારે સમાજમાં ફાટફુટ પાડવાનું કામ કર્યું હોય તેમ જણાય છે. રાજ્યમાં ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે, તેમાંથી એકપણ ધારાસભ્યની નિમણૂંક કરવામાં આવી નથી. એકમાત્ર મોટું અખબાર ગુજરાત ટુડે દૈનિકનાતંત્રીને બાકાત રખાયા છે. મુસ્લિમ વિદ્વાનોનો સમાવેશ કરાયો નથી ઉપરાંત ખ્રિસ્તી, પારસી, શીખ સહિતના લઘુમતી આગેવાનોનો પણ સમાવેશ ન કરી સરકારે એકતાની જ્યોતને પ્રજ્વલ્લિત કરતાં પહેલાં જ બુઝાવી દીધી હોય તેવો ઘાટ સર્જયો છે.

કોમી એકતાના બદલે એક જ સમાજની એકતા સમિતિ બનાવી હોય તેવો ઘાટ
અમે આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરીશું : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા

આ અંગે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જો સરકાર એકતા સ્થાપવાના નામે એકતા સમિતિની રચના કરતી હોય અને તેમાં રાજ્યમાં ત્રણ-ત્રણ મુસ્લિમ ધારાસભ્યો હોય, ગુજરાત ટુડે જેવું મોટું અખબાર હોય, અનેક શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થા હોય, અન્ય લઘુમતી સમાજના અનેક આગેવાનો હોય છતાં એકતા સમિતિમાં જ લઘુમતિ આગેવાનોની બાદબાકી કરી એકતાના નામે મજાક કરી છે. અમે તેનો સખ્ત વિરોધ કરીશું અને રાજ્ય સરકારને રજૂઆત કરીશું. સૌથી ખેદજનક બાબત જ એ છે કે, સરકાર એકતા સમિતિ રચે છે પરંતુ આ તે કેવી એકતા કે તેમાં એક જ સમાજના લોકો હોય ? આ તો કોમી એકતાને બદલે એક જ સમાજની એકતા માટે સમિતિ બનાવાઈ હોય તેમ લાગી રહ્યું છે.