ભારતને આઝાદ થયાને સાત દાયકાનો સમય વીત્યો છતાં આપણે લોકશાહીના મૂલ્યોને ચુસ્તપણે પ્રસ્થાપિત કરવામાં ખૂબ ઊણા ઊતર્યા છીએ. ખાસ તો કાયદા કાનૂનની છટકબારી અને આપણા સર્વ રાજકીય પક્ષોની મનસા જ નથી કે ગુનેગારોને, ભ્રષ્ટાચારીઓને ટિકિટ જ ન આપીએ જેથી રાજકારણમાંથી ગુનેગારોનો એકડો નીકળી જાય. પણ આપણા લગભગ દરેક રાજકીય પક્ષો આજે પણ વત્તા-ઓછા પ્રમાણમાં ગુનેગારોને ટિકિટ એટલા માટે આપે છે કે, સામા પક્ષ કરતાં પોતાના પ્રતિનિધિઓ વધુ ચૂંટાય અને સત્તાના સિંહાસને બેસી શકાય. એટલે બાહુબલીઓ, ભ્રષ્ટાચારી, ખૂનના ગુનામાં સંડોવાયેલાઓને પણ ચૂંટણી માટે ટિકિટો અપાય છે, તેઓ દંડાને, પૈસાને સહારે જીતી પણ જાય છે, જેને લઈ કાયદો બનાવવાની સત્તા જેમના હાથમાં આવે છે તેવા ગુનેગારો પણ તેમાં સહભાગી બને છે. આ તંદુરસ્ત લોકશાહી માટે સારું ચિહ્ન નથી. તાજેતરની પાંચ રાજ્યોની ચૂંટણીની વાત કરીએ તો સર્વ પક્ષોના થઈને ૪પ૦થી પ૦૦ ગુનેગારોને જુદા જુદા પક્ષે ટિકિટો આપી જેમાં ઘણાં ચૂંટાયા પણ હશે. એ સિવાય એવા કેટલાય છે. જેમના શિરે ભ્રષ્ટાચારના આરોપો થયા, સત્તા છોડવી પડેલી, ને વળી પાછા જે તે પક્ષે તેમને પક્ષમાં પાછા પણ લઈ લીધા.

એટલે જ ચૂંટણી પંચે ગુનેગારોને ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ માટે સરકારને; સૌ પક્ષોને અવાર-નવાર જણાવ્યું જ છે. છતાં સત્તા પક્ષે, વિપક્ષોએ એ વાત ધ્યાને ન લેતાં એ બાબતે ભાજપના જ દિલ્હી પ્રવક્તા અને સુપ્રીમના વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સર્વોચ્ચ અદાલતમાં  ગુનેગારો પર આજીવન પ્રતિબંધ મૂકવાના એ મતલબની અરજી દાખલ કરતાં સુપ્રીમે કેન્દ્ર સરકારને આ બાબતે સાત દિવસમાં જવાબ આપવા સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષોએ સાથે બેસીને લોકશાહીના; પ્રજાના હિત ખાતર સંકુચિત રાજકીય સ્વાર્થનો ત્યાગ કરી સુપ્રીમને જવાબ આપી દેવો જોઈએ કે, ગુનેગાર સાબિત થયેલાઓ આજીવન ચૂંટણી લડી ન શકે તેવો નિયમ સ્વીકારવા અમે સંમત છીએ. ચૂંટણી સમયે મતદારો-પ્રજા વચ્ચે જઈને ગુનાખોરી દૂર કરીશું, ચમરબંધીઓને પણ નહીં છોડીશું, જેલના સળિયા પાછળ ધકેલી દઈશું જેવી લોભામણી વાતો કરવી એક વાત છે અને જ્યારે ચૂંટણી જીતવા આસમાન-જમીન એક કરવાની કોશિશ કરતા હોય ત્યારે પેલી વાત ભૂલી જઈને ગુનેગારોને ટિકિટ આપી સત્તા પર આવી જવાની નેમ રાખવી લોકશાહી માટે તો ઘાતક જ પુરવાર થાય.

હવે સાત દાયકા પછી પણ રાજકીય પક્ષો પોતાના પ્રજાલક્ષી સિદ્ધાંતોના સહારે ચૂંટણી વૈતરણી પાર કરવાને બદલે બાહુબલી, ગુનેગારોને ટિકિટો આપવી, ધર્મનો સહારો લઈ મતોનું ધ્રુવીકરણ કરવું કે જુદી જુદી જાતિને લલચાવીને પોતાનું જીતનું પલ્લું ભારેખમ બનાવવું એ બરાબર નથી. આમ કરવાથી જીતી જવાય, સત્તા પણ મળે, પણ લોકશાહી માટે એ રસ્તો ભારે ઘાતક પુરવાર થાય. આ વાત કોઈ એક રાજકીય પક્ષે નહીં પણ સર્વ રાજકીય પક્ષોએ ગાંઠે બાંધી તેનો ચુસ્તપણે અમલ કરી દેશને વધુ પ્રગતિશીલ, પારદર્શી બનાવવામાં તેમનું યોગદાન બરાબર રીતે આપવું જોઈએ. જોઈએ હવે સત્તા પરની સરકાર વિપક્ષો આ મુદ્દે કેવુંક વલણ લે છે. જો તેઓ આંબલી-પીપળી બતાવી સુપ્રીમને પણ દાદ ન આપે તો પ્રજાના જાગૃત નાગરિકોએ ગુનેગારોને કોઈપણ પક્ષ ટિકિટ ન આપે તેવી લોકશાહી ઢબે માંગ રજૂ કરવી જોઈએ. અને છતાં ગુનેગારોને જે પક્ષ-પક્ષો ટિકિટ આપે તેમને મત જ ન આપવા મક્કમ બનવું પડશે, તો જ ગુનેગારોને સત્તાથી દૂર રાખી શકાશે.