(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩
૧૪૫થી વધારે નિવૃત્ત સિવિલ અને લશ્કરી ઓફિસરો તેમજ શિક્ષણવિદોએ મળીને ચૂંટણી પંચ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ૨૦૧૯ની ચૂંટણી સાથે જોડાયેલા તમામ વિવાદો પર ચૂંટણી પંચની પ્રતિક્રિયાને લઇને આ લોકોએ સવાલ ઉભા કર્યા છે. ૬૪ ભૂતપૂર્વ આઇપીએસ, આઇએફએસ, આઇએએસ અને આઇઆરએસ તેમજ લશ્કરી અધિકરીઓએ ચૂંટણી પંચને ખુલ્લો પત્ર લખ્યો છે. રિપોર્ટ મુજબ, પત્રમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉભા થયેલા વિવાદનો વિસ્તારથી ઉલ્લેખ કરાયો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લોકશાહી શંકાના ઘેરામાં છે. સાથે જણાવવામાં આવ્યું છે કે, લોકશાહીના હિત માટે ચૂંટણી પંચે પોતાની રીતે કથિત અનિયમિતતાના આક્ષેપો પર સ્પષ્ટતા આપવાની જરૂર છે. આવું બીજી વાર ના થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલા લેવા જોઇએ તેથી લોકોનો ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ યથાવત રહે.
પત્રમાં ચૂંટણીની તારીખ, શેડ્યૂલ, મોડલ કોડ ઓફ કંડક્ટના ઉલ્લંધનો, પુલવામા-બાલાકોટ જેવા મુદ્દાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ, વડાપ્રધાનના હેલિકોપ્ટરની તપાસ પર આઇએએસ અધિકારીની બદલી, નીતિ આયોગની ભૂમિકા, નમો ટીવી, ઇલેક્ટરોલ બોન્ડ્‌સ, ઇવીએમ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ પ્રશ્નો ઉભા કરાયા છે. પત્રમાં હસ્તાક્ષર કરનારાઓમાં ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર વઝાહત હબીબુલ્લા, હર્ષ મંદેર, અરુણા રોય, જોહર સરકાર, એનસી સક્સેના અને અભિજીત સેનગુપ્તા સિવાય ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર દેબ મુખરજી અને શિવ શંકર મુખરજી પણ સામેલ છે. પત્રનું સમર્થન કરનારાઓમાં એડમિરલ એલ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, નિવેદિતા મેનન, પ્રબલ દાસગુપ્તા, પરંજોય ગુહા ઠાકુરતા અને લીલા સેમસનના નામ સામેલ છે.