અમદાવાદ,તા. ૨૬
આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં પહેલી વખત આચાર સંહિતાની ફરિયાદ માટે એપનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા નાગરિકોની ફરિયાદોનો નિકાલ ૧૦૦ મિનિટમાં થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ એપ થકી નાગરિકો આચારસંહિતા ભંગની સીધી ફરિયાદ નોંધાવી શકશે. આ મોબાઇલ એપથી ચૂંટણીમાં ગેરરીતિ અને આચારસંહિતાના ભંગની પ્રવૃત્તિ અટકાવવામાં મદદ મળશે. ચૂંટણી દરમ્યાન મતદાન મથકની બાજુમાં કે મતદાનના દિવસે કોઈ પણ ગેરકાયદે કામગીરીની એપમાં ફરિયાદ બાદ જીપીએસની મદદથી ચૂંટણી તંત્ર ફરિયાદીનું લોકેશન જાણીને ફલાઈંગ સ્કવોડને સીધી ઘટના સ્થળે દોડાવશે. આમ આચાર સંહિતા ભંગના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે.
ટૂંક સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી તંત્રએ પણ લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગની ઘટનાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા માટે એપ ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ એપમાં જીપીએસ સિસ્ટમ પણ કાર્યરત હશે. કોઈપણ નાગરિક આ એપના માધ્યમથી ચૂંટણી વખતે આચાર સંહિતાનો ભંગ થતો હોય તો ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદના આધારે ચૂંટણી તંત્ર સીધું એલર્ટ થઈ જશે. સૌપ્રથમ એપ મારફતે કંટ્રોલ રૂમને જાણ થશે. આ મામલે ફલાઈંગ સ્કવોર્ડને ફરિયાદીનું લોકેશન સહિતની વિગતો પૂરી પાડશે. બાદમાં ફલાઈંગ સ્કવોર્ડ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી કરશે. અગાઉ આ એપનો ઉપયોગ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતાં હવે લોકસભાની ચૂંટણીમાં પણ આ એપ ઉપયોગમાં લેવામાં આવનાર છે. સીવીઆઇજીઆઇએલ નામની આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ સમગ્ર રાજ્યમાં યોજાશે. અમદાવાદમાં ફલાઇંગ સ્કવોર્ડના તમામ સભ્યો અને કન્ટ્રોલ રૂમના અધિકારીઓ અને કર્મચારીઓ મળી ૬૦ કર્મીઓની તાલીમ પૂર્ણ થઈ છે હાલમાં મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (એમસી/એમસી)ની રચના કરી દેવામાં આવી છે અને ચૂંટણી જાહેર થયા બાદ તુરંત જ આ કમિટી કાર્યરત થઈ જશે. સિટીઝન વિજિલન્સ પર ફરિયાદ કરનારનું નામ ખાનગી રખાશે. જો કોઈ નાગરિક તંત્રને હેરાન કરવાના આશયથી ખોટી ફરિયાદ કરશે તો તેની ગંભીર નોંધ લેવાશે અને તેવા કિસ્સામાં કાર્યવાહી પણ થશે. મતદારોને પ્રલોભન, મતદાન મથક આસપાસ પ્રતિબંધિત ચીજ વસ્તુઓની ગેરકાયદે હેરફેર,મતદાન કરતા અટકાવવા મતદારોને ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડવું ,પરવાનગી વગર પાર્ટીનો પ્રચાર અને બેનર લગાવવા,પ્રતિબંધિત સ્થળોએ પ્રચાર ગાડી અથવા સ્પીકર વગાડવાં, મતદારોને રિઝ્‌વવા રૂપિયાની વહેંચણી સહિતની અનેક ફરિયાદો માટે નાગરિકે ફોટો કે વીડિયો અથવા મેસેજ કરવાનો રહેશે.