(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
લોકસભાની આગામી ચૂંટણીઓ યોજાવાની તારીખો ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. લોકસભાનો સમય ૩જી જૂનો પુરો થવાનો છે. મતદાન કેટલાક તબક્કામાં અને કયા મહિનામાંઓમાં યોજવું, ચૂંટણી પંચ એ નક્કી કરવાની પ્રક્રિયામાં છે. સૂત્રોએ જણાવ્યું કે મતદાનના તબક્કા નક્કી કરવાની બાબત સુરક્ષા દળોની ઉપલબ્ધિ અને અન્ય જરૂરિયાતો પર આધારિત હશે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે સામાન્ય ચૂંટણીઓ ૬-૭ તબક્કાામાં યોજાશે. એવી પણ શક્યતા છે કે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીઓ સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું વિસર્જન થઇ ગયું હોવાથી ચૂંટણી પંચને છ મહિનામાં જ નવેસરથી ત્યાં ચૂંટણીઓ યોજવી પડશે. સિક્કિમ વિધાનસભાની મુદ્દત ૨૦૧૯ની ૨૭મી મે ના રોજ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાઓની મુદ્દત અનુક્રમે ૧૮ જૂન, ૧૧ જૂન અને પહેલી જૂને પુરી થવાની છે.