નવી દિલ્હી,તા.૭
રાજકીય પક્ષો દ્વારા ઈવીએમના વિરોધ વચ્ચે ચૂંટણી પંચ ભવિષ્યની નવી તકનીકો પર વિચારણા કરી રહ્યું છે. આ કડીમાં ઈવીએમમાં તકનીકી સુધારણા કરીને તેમા આધાર પ્રમાણીકરણની સુવિધા પણ નાખવામાં આવે તેવી શક્યતા છે. આ નવી વ્યવસ્થાના લાગુ થયા બાદ મતદાતાની ઓળખની ઝંઝટ પણ સમાપ્ત થઈ જશે અને આધાર પ્રમાણીકરણથી દ્વારા જ તેઓ વોટ નાખી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે આધારના મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે. તેની તેઓ રાહ જોઈ રહ્યા છે. જો લીલીઝંડી મળી જશે તો ચૂંટણી પંચ મતદાતા યાદીને આધાર સાથે જોડવાની કામગીરી આગળ વધારશે.
તેની સાથે જ ઈવીએમમાં તકનીકી સુધારણા કરીને તેમા આધારને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આજ દિન સુધી તકનીકમાં નવી-નવી વસ્તુઓ થતી રહી છે. રાવતે કહ્યુ છે કે આનાથી ફાયદો એ પણ છે કે મતદાતાઓને પોતાની ઓળખ સાબિત કરવાની જરૂરત નહીં રહે. જ્યારે મતદાન થાય છે.
ત્યારે આ પ્રક્રિયામાં ઘણાં લોકો લાગેલા રહે છે. નવી તકનીકના ઉપયોગથી મતદાતા ઓળખની પ્રક્રિયા આસાન થશે. તેની સાથે નવી વ્યવસ્થાના લાગુ થયા બાદ મતદાન પ્રક્રિયામાં સમય પણ ઓછો લાગશે. ચૂંટણી પંચે ભૂતકાળમાં મતદાતા યાદીઓને આધારથી જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. લગભગ ત્રીસ કરોડ મતદાતાઓએ આધારને મતદાતા યાદી સાથે લિંક પણ કરાવી લીધા હતા. પરંતુ બાદમાં એક મામલામાં સુપ્રીમ કોર્ટે આના પર રોક લગાવી દીધી હતી. ત્યારથી આ કામગીરી વિલંબિત છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આધારને મતદાતા યાદી સાથે લિંક કરવા માટેની મંજૂરી આપવામાં આવે. દેશમાં કુલ ૮૭ કરોડ મતદાતા છે. આધાર નંબર લગભગ ૧૨૨ કરોડ છે. દેશની ૯૯ ટકા પુખ્તવયના લોકો પાસે આધાર ઉપલબ્ધ છે. આધારના કાયદા પ્રમાણે જો કોઈની પાસે આધાર નથી. તો તેને કોઈ સેવા લેવા માટે અન્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે. આધાર નહીં હોવાથી કોઈને સેવાથી વંચિત કરવામાં આવશે નહીં. આ વ્યવસ્થા લાગુ થશે. તો પણ આધાર વગરના લોકો ભૂતકાળની વ્યવસ્થા હેઠળ વોટિંગ કરી શકશે.