(એજન્સી) તા.૧
કેટલાક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોએ એ હકીકત પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે કે આગામી વર્ષની લોકસભાની ચૂંટણીની કમાન તુલનાત્મક રીતે બિનઅનુભવી ચૂંટણી કમિશનરો અને અધિકારીઓના હાથમાં હશે. જ્યારે ચૂંટણી પંચની વર્તણૂક સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ અહેવાલ આવ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત અને બે ચૂંટણી કમિશનરો-સુનિલ અરોરા અને અશોક લવાસાને ૨૧ મે,ના રોજ પૂર્વ ચૂંટણી કમિશનરો સાથે એક બંધ બારણે યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ યોજાશે ત્યાં સુધીમાં મુખ્ય ચૂંટણી કમિશનરની દેખરેખ હેઠળ વિધાનસભાની ૧૦ ચૂંટણીઓ યોજાઇ ગઇ હશે જે સંખ્યા ૨૦૦૯ અને ૨૦૧૪માં તેમના પુરોગામીઓના અનુભવ કરતા અડધા ભાગની હશે. ઓપી રાવત ડિસે. ૨૦૧૮માં જ્યારે તેમની સમયમર્યાદા પૂરી થશે અને તેઓ નિવૃત્ત થશે ત્યારે સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર સુનિલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળશે. તેઓ ગઇ સાલ સપ્ટેમ્બરમાં ચૂંટણી કમિશનમાં જોડાયા હતા અને ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે તેમણે હોદ્દા પર બે વર્ષ કરતા ઓછો સમય પૂરો કર્યો હશે. અરોરાની બઢતી બાદ લાવાસા બીજા ક્રમે સૌથી વરિષ્ઠ ચૂંટણી અધિકારી હશે કે જેમની દેખરેખ હેઠળ પણ બહુ ઓછી ચૂંટણી યોજાઇ હશે કારણ કે તેમણે તો હજુ આ વર્ષે ૨૩ જાન્યુ.ના રોજ કાર્યભાર સંભાળ્યો છે. બાકીના ચૂંટણી કમિશનરોની ડિસેમ્બરમાં નિમણૂક થશે.
ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં જે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોએ ભાગ લીધો હતો તેમાં એમએસ ગીલ, જેએમ લિંગદોહ, ટીએસ ક્રિષ્નામૂર્તિ, બી બી ટંડન, એસ વાય કુરેશી, વી સંપત, એચએસ બ્રહ્મા અને નાસિમ જયદી તેમજ પૂર્વ ચૂંટણી કમિશનર જીવી ક્રિષ્નામૂર્તિએ પણ હાજરી આપી હતી. કેટલાક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોએ ચિંતા વ્યક્ત કરી હતી કે એક વર્ષ કે કેટલાક મહિનાઓના અનુભવ સાથે ચૂંટણી યોજવી મુશ્કેલ બનશે. જો કે પૂર્વ આઇએએસ અધિકારી અરોરાએ જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય ચૂંટણીની કમાન સંભાળવા માટે લાયક ચૂંટણી પંચના અધિકારીઓ માટે અમુક ચૂંટણીઓનો અનુભવ હોવો જોઇએ એવી કોઇ માર્ગદર્શિકા નક્કી કરી નથી. આઇએએસ અધિકારીઓ તરીકે આપણે રાબેતા મુજબ નવા પદનો કાર્યભાર સંભાળીએ છીએ અને આપણાથી બનતું શીખવાનો પ્રયત્ન કરીએ છીએ.