ઝઘડિયા, તા.૧૧
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ, બીટીપી, બીટીએસના આગેવાનો દ્વારા ઝઘડિયા મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે ગત તા.૯મીના રોજ ચૂંટણીના દિવસે રાજપારડીના કેટલાક ઈસમો દ્વારા બીટીપીના ઉમેદવાર વિરૂદ્ધ જાહેરમાં અભદ્ર ટિપ્પણીઓ જાહેરમાં તથા સોશિયલ મીડિયા દ્વારા કરેલ છે અને રાજપારડીના કાર્યકરો પર પણ ટિપ્પણી કરી જાહેરમાં મારી નાખવાની ધમકી આપી હતી. મતદાનના દિવસે બીટીપીના ચૂંટણી એજન્ટ સાથે પોલીસની હાજરીમાં ગાળાગાળી કરી કરી હતી. રાજપારડીના કલ્પેશ વસાવાને તેમની પાર્ટી બીટીપીનો પ્રચાર નહીં કરવા ધમકી આપી હતી. રાજપારડીના મતદાન મથક પર રાજપારડીના ઈમ્તિયાઝ બાપુ સાથે મતદાન મથક બહાર સીઆઈએસએફના જવાનોની હાજરીમાં ગેરવર્તણૂક કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરેલ તથા રાજપારડીના તોફીક પટેલની દુકાન સામે નશાની હાલતમાં આવી બીટીપીના ઉમેદવાર વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તોફીકને જોઈ લેવાની ધમકી આપી હતી. તા.૧૦મીની રાત્રિએ કન્યાશાળા પાસે રહેતા કોંંગ્રેસના અગ્રણી મહેબુબભાઈના ઘર પર હુમલો કરી અભદ્ર વ્યવહાર કર્યાનો આક્ષેપ કર્યો છે જેથી કોંગ્રેસ તથા બીટીપીના આગેવાનો કાર્યકરો દ્વારા રાજપારડી તથા આજુબાજુના ગામોની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર રાજપારડીના (૧) પૃથ્વીસિંહ કરમરિયા ઉર્ફે પીકો, (ર) પપ્પુ કેશરોલા, (૩) યુવરાજસિંહ રાઠોડ ઉર્ફે મુન્નો, (૪) હીરલ પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવાની માગણી કરી છે. આ બાદ જો પંથકમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું.