(એજન્સી) તા.૧૬
આગામી લોકસભાની ચૂંટણીમાં ૨૦૧૪ના પ્રચંડ વિજયને દોહરાવવા માટે ભાજપ અલગ અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યો છે. આમાંની એક ફોર્મ્યુલા છે સેલિબ્રિટીઝને ચૂંટણી જંગમાં ઉતારવાની. ભાજપના અધ્યક્ષ અમિત શાહ બોલિવુડની મશહુર હસ્તીઓથી લઇને રમત ગમત જગતના લોકપ્રિય ચહેરાઓ અને સમાજના અન્ય ક્ષેત્રોના લોકપ્રિય ચહેરાઓને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવાનું વિચારી રહ્યા છે. અહેવાલો અનુસાર ભાજપ દ્વારા પદ્મ પુરસ્કારોથી સન્માનિત લોકો, યુવાન ઉદ્યોગ સાહસિકો, ખેલાડીઓ, મનોરંજન જગતની હસ્તીઓ, વહીવટી સેવાના લોકોને ટિકિટ આપવા વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાજપ એ ૧૨૦ લોકસભાની બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે જ્યાં ક્યારેય ભાજપના ઉમેદવાર જીતી શક્યા નથી. પક્ષ ઇચ્છે છે કે સમાજના પ્રબુદ્ધ લોકોને આ વિસ્તારોમાં ઉતારીને રાજકીય શાલીનતાની સાથે સાથે નવા પ્રકારની રાજનીતિનો અમલ કરવામાં આવે. અમિત શાહ ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન હેઠળ તાજેતરમાં આ પ્રકારની હસ્તીઓને મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બોલિવુડના અભિનેતા અક્ષયકુમાર, અનુપમ ખેર અને નાના પાટેકરને પણ ભાજપ ૨૦૧૯માં ટિકિટ આપી શકે છે. તેમાં અક્ષયકુમારને પંજાબ કે દિલ્હીમાંથી, અનુપમ ખેરને દિલ્હી અને નાના પાટેકરને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં પણ ભાજપે આ પ્રકારના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તમામ આવા ઉમેદવારોનો વિજય થયો હતો. ભાજપે ગત લોકસભાની ચૂંટણીમાં ભોજપૂરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી, ગાયક બાબુલ સુપ્રીયો, બોલિવુડ અભિનેત્રી કિરણ ખેર, અભિનેતા પરેશ રાવલ, ઓલિમ્પિક નેતા રાજ્યવર્ધનસિહ રાઠોડ, સેનાના પૂર્વ વડા વીકે સિંહ, પૂર્વ ગૃહસચિવ આર કે સિંહ, કટાર લેખક પ્રતાપસિંહા, પૂર્વ આઇપીએસ અધિકારી અને મુંબઇના પોલીસ કમિશનર સત્યપાલ સિંહ અને પૂર્વ બ્યુરોક્રેટ ઉદિત રાજને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને તમામનો વિજય થયો હતો.